હાલમાં ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મતદાર યાદી સુધારણાની SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી ચાલી રહી છે, જેમાં BLO(બૂથ લેવલ ઓફિસર) તરીકે શિક્ષકો અને આંગણવાડીની બહેનો ફરજ બજાવી રહ્યા છે. જોકે, આ કામગીરી માટે ઉપયોગમાં લેવાતી BLO એપમાં સતત એરર અને ટેકનિકલ ખામીઓના કારણે કર્મચારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને કામગીરીમાં “લાલીયાવાડી” જેવી સ્થિતિ સર્જાઈ છે. BLO કર્મચારીઓ સવારથી મોડી રાત સુધી ફોર્મ વિતરણ, ગણતરી અને અપલોડિંગનું કામ ખંતપૂર્વક કરી રહ્યા છે, પરંતુ BLO એપમાં સતત એરર આવે છે, વારંવાર લોગઆઉટ થઈ જવાય છે, અને ફોર્મ-ફોટો અપલોડ કરતી વખતે માત્ર ગોળ ચકરડાં જ ફર્યા કરે છે. આ ખામીને કારણે કર્મચારીઓનો ઘણો સમય વ્યય થાય છે. વળી, શિક્ષકો અને આંગણવાડી બહેનોને આ કામગીરી બાળકોના શિક્ષણના ભોગે કરવી પડે છે, જેના કારણે શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોને પૂરતું શિક્ષણ મળતું નથી. ખાસ કરીને મહિલા BLOને રાત્રે ૧૨ વાગ્યા સુધી ફોન કરીને કામગીરીનો નિશ્ચિત ટાર્ગેટ પૂરો કરવા માટે દબાણ કરવામાં આવે છે, જેના કારણે તેઓ માનસિક અને શારીરિક રીતે ખૂબ જ ત્રાસ અનુભવી રહી છે. મહિલા BLOની સ્થિતિ એવી છે કે તેઓ પરિવાર કે પોતાના બાળકોને સમય આપી શકતી નથી. વિસ્તારમાં ફરીને ફોર્મ કલેક્ટ કરવાનું કામ કરે છે, પરંતુ જ્યારે અપલોડ કરવા બેસે છે, ત્યારે એપ ચાલતી નથી. કર્મચારીઓ એપના સ્ક્રીનશોટ મોકલવા છતાં ઉપરી અધિકારીઓ એપનો પ્રશ્ન સ્વીકારવા તૈયાર નથી. કર્મચારીઓએ જણાવ્યું કે ખરાબ સર્વર અને એપના કારણે કોઈ કામ થઈ શકતું નથી અને દબાણના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.






































