પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યભરમાં તમામ સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની જાહેરાત કરી છે. આ આદેશ ૧ જૂનથી અમલમાં આવશે. આ મહિલા સશક્તીકરણને પ્રોત્સાહન આપવા અને જાહેર પરિવહનમાં તેમની પહોંચ સુધારવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.
પરિવહન વિભાગ દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, પશ્ચિમ બંગાળ સરકારે લખ્યું છે કે, “મહિલા સશક્તીકરણને પ્રોત્સાહન આપવા અને પરિવહન સુવિધાઓમાં તેમની સુલભતા સુધારવા માટે, પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની તમામ સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી માટેની યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે.” જાહેરનામામાં વધુમાં જણાવાયું છે કે “પશ્ચિમ બંગાળની તમામ મહિલાઓને તમામ સરકારી બસોમાં મફત મુસાફરી પૂરી પાડવામાં આવશે,” જેમાં “વિવિધ શ્રેણીઓની તમામ ટૂંકી અને લાંબા અંતરની સરકારી બસો”નો સમાવેશ થાય છે.
આ આદેશને અમલમાં મૂકવા માટે, રાજ્ય સરકાર લાભાર્થીઓને સ્માર્ટ કાર્ડ (કયુઆર કોડ સાથે ડિજિટલ કાર્ડ) જારી કરશે. જાહેરનામામાં જણાવાયું છે કે “અરજી કર્યા પછી, દરેક મહિલા લાભાર્થીને લાભાર્થીનો ફોટો અને નામ ધરાવતું સ્માર્ટ કાર્ડ (કયુઆર કોડ સાથે ડિજિટલ કાર્ડ) જારી કરવામાં આવશે, જે સંબંધિત અધિકારક્ષેત્રના બીડીઓ/એડીઓને સબમિટ કરવાનું રહેશે.”
કેવી રીતે અરજી કરવી
સ્માર્ટ કાર્ડ માટે મહિલાઓએ તેમના ઓળખ દસ્તાવેજા સબમિટ કરવા પડશે.
આધાર કાર્ડ,મતદાર ફોટો ઓળખ કાર્ડ,જાબ કાર્ડ (ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડ), આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ,ડ્રાઇવિંગ લાઇસન્સ,પાન કાર્ડ, ભારતીય પાસપોર્ટ,ફોટો સાથે પેન્શન દસ્તાવેજ, કેન્દ્ર/રાજ્ય સરકાર પીએસયુ પબ્લીક લિમિટેડ કંપનીઓ દ્વારા કર્મચારીઓને જારી કરાયેલ ફોટો સાથે સેવા ઓળખ કાર્ડ, શાળાઓ/કોલેજા/યુનિવર્સિટીઓ દ્વારા જારી કરાયેલ સત્તાવાર ઓળખ કાર્ડ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા જારી કરાયેલ અન્ય કોઈપણ ઓળખ કાર્ડ, જેમાં લાભાર્થીનો તાજેતરનો ફોટો હોય.
નોટિફિકેશનમાં વધુમાં જણાવાયું છે કે જ્યાં સુધી સ્માર્ટ કાર્ડ જારી ન થાય ત્યાં સુધી, “તાત્કાલિક અમલીકરણ માટે સરકારના સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત ફોટો ઓળખ કાર્ડના આધારે લાભાર્થીઓની ઓળખ કરવામાં આવશે.” આ વચગાળાના સમયગાળા દરમિયાન, “ઓળખ ચકાસણી પછી ફરજ પરના કંડક્ટરની વિનંતી પર મહિલા મુસાફરોને ‘ઝીરો વેલ્યુ ટિકિટ’/થર્મલ પેપર ટિકિટ’ જારી કરવામાં આવશે.”











































