હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલુ જ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે, જ્યારે રાત્રે પણ ગરમ પવન અને અસહ્ય બફારો લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે.
૨૪ મે, ૨૦૨૬ના રોજ રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. સુરેન્દ્રનગર ૪૩.૮ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજકોટમાં ૪૨.૭ ડિગ્રી, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ૪૨.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૨ ડિગ્રી, ડીસામાં ૪૧.૨ ડિગ્રી અને કંડલામાં ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજમાં ૪૦ ડિગ્રી અને વડોદરામાં ૪૦.૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું. બીજી તરફ, સુરત ૩૭.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન ધરાવતું શહેર બન્યું હતું.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી અને ઉકળાટને કારણે લોકો પરેશાન બન્યા હતા, જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમીનો માહોલ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.આ તાપમાન સામાન્ય કરતાં ૪થી ૭ ડિગ્રી વધુ નોંધાયા છે. હવામાન વિભાગ અનુસાર આગામી ૭ દિવસ સુધી મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય અને અનેક જગ્યાએ ૪૦ સેથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદમાં ૪૨-૪૩ સે સુધી પહોંચી શકે છે. રાત્રે ગરમ પવનો ફૂંકાતા હોવાથી લઘુત્તમ તાપમાન ૨૮-૩૦° સેની આસપાસ રહે છે. આને કારણે લોકોને રાત્રે પણ રાહત મળતી નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવનોને લીધે બફારો વધુ અનુભવાઈ રહ્યો છે.આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, પરંતુ રાજ્યના મોટા ભાગમાં ગરમી જારી રહેશે











































