જૂનાગઢની જાણીતી કે.જે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હાલમાં ગંભીર ગેરરીતિઓ અને દર્દીઓના જીવ સાથેના ચેડાંને લઈને મોટા વિવાદમાં આવી છે. આ હોસ્પિટલમાં સરકારી યોજના હેઠળ સારવાર લેવા આવતા ગરીબ દર્દીઓ સાથે છેતરપિંડી કરી, તેમની જાણ બહાર અને કાયદાના ઉલ્લંઘન સાથે મોટી સંખ્યામાં ઓપરેશન કરવામાં આવ્યા હોવાનો ભાંડો ફૂટ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હોસ્પિટલ તંત્ર દ્વારા મંજૂરી વગરના અને ‘ગુજરાત મેડિકલ કાઉન્સિલ’નું અનિવાર્ય રજીસ્ટ્રેશન પણ ન ધરાવતા તબીબ પાસે ગરીબ દર્દીઓના કુલ ૭૬ જેટલા ઓપરેશન કરાવી દેવાયા હતા. નિયમો અનુસાર, હોસ્પિટલમાં એક દિવસમાં મર્યાદિત સંખ્યામાં જ સર્જરી થઈ શકે છે, પરંતુ આ હોસ્પિટલે મેડિકલ નિયમોના ધજાગરા ઉડાવીને એક જ દિવસમાં ૩ થી વધુ ઘૂંટણના રિપ્લેસમેન્ટ ઓપરેશન પણ કરી નાખ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
સરકારની મહત્વકાંક્ષી આયુષ્માન ભારત યોજના અંતર્ગત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ઓર્થોપેડિક સર્જરી (હડકાના ઓપરેશન) અને ઓપરેશન કરનાર ડોક્ટરોની વિગતોમાં સરકારી ચોપડે મોટી વિસંગતતાઓ અને ઓનલાઈન ડેટામાં છેતરપિંડી જાવા મળી છે.
આટલી ગંભીર બેદરકારી અને ગેરરીતિ સામે આવ્યા બાદ પણ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ સામે નરમ વલણ અપનાવાયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આટલા મોટા કૌભાંડ બાદ પીએમજેવાય યોજનાનું જાડાણ કાયમી રદ કરવાને બદલે તંત્ર દ્વારા માત્ર ૧૨ લાખ રૂપિયાનો સામાન્ય દંડ ફટકારીને સંતોષ માનવામાં આવતા લોકો અને જાગૃત નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જાવા મળી રહ્યો છે.