રાજુલાના દાતરડી ગામે નેશનલ હાઈવે ઉપર નંદ પેટ્રોલ પંપની પાસે બે બાઈક અથડાયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માત બાદ એક ચાલક પોતાનું બાઈક ઘટનાસ્થળે જ મુકીને નાસી ગયો હતો.આ બનાવ સંદર્ભે તુષારભાઈ ભરતભાઈ ભીલ (ઉ.વ. ૨૨) એ અજાણ્યા બાઈક ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેના પિતા અને મૃતક ભરતભાઇ સોંડાભાઇ ભીલ પોતાનું બાઈક લઇ દાતરડીથી પીપરૂ તરફ જતા હતા. તે દરમિયાન નંદ પેટ્રોલ પંપ પાસે પહોંચતા સામેથી આવેલા એક બાઈક ચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી ચાલક નાસી ગયો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એસ. પલાસ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.










































