(૧)ચુંટણી આવે ત્યારે જ નેતાને કેમ બધુ યાદ આવે?
ભરતભાઈ ડાંગર (ગળકોટડી)
તમને પણ ચૂંટણી આવી ત્યારે જ આ સવાલ યાદ આવ્યોને!
(૨)પહેલા લગ્ન યોગ્ય થવા માછલીની આંખ વિંધવી પડતી હતી જયારે આજે લગ્ન માટે શું જરૂરી છે?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
અત્યારે લગ્ન ઉત્સુક મુરતિયાની લાઇન વીંધવી પડે.
(૩) ઊંઘવા માટે ઊંઘની ગોળી હોય એમ વહેલા ઉઠવા માટે ગોળી કેમ નથી હોતી?
પરમાર હર્ષિદા ટી. (સોજીત્રા)
હોય જ છે. એ ગોળીનું નામ છે જવાબદારી!
(૪)તમને માણસ થાવું ગમે કે માનવી થાવું ગમે?
બાલુભાઈ કિકાણી (લીલીયા)
એમાં આધારકાર્ડ એના એ ચાલે કે ફેરવવા પડે?!
(૫)માનવીને મચ્છર સાથે શેની દુશ્મની છે?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
કાનમાં હોર્ન વગાડે એ.
(૬)ખાડી દેશોમાંથી ગેસ નહિ આવે તો હવે શું થશે ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ખુમારી રાખો! ચૂલા ક્યાં ગયા છે?!
(૭)પ્રેમનો એકરાર(પ્રપોઝ) કરવાની સૌથી સરળ કઈ રીત છે?
કમલેશ મકવાણા (બોડેલી)
દાંત કાઢો. બહુ બહુ તો એ ગાંડા ગણશે પણ આમાં બીજું કોઈ જોખમ નહી!
(૮)સાહેબ..! તમે ગંભીરમાં ગંભીર પરિસ્થિતિનું હેન્ડલીંગ કઈ રીતે કરો?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા )
ગૌતમ ગંભીર જેવો ચહેરો રાખીને!
(૯)યુવાન થવાનું મશીન ક્યાં મળે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
બાળપણમાંથી મુક્ત થવાનું મશીન વેચી નાખ્યું?
(૧૦)કૂતરો દવા પી જાય તો કેસ કોની ઉપર થાય?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
હું કૂતરાના કેસ નથી લડતો.
(૧૧)પ્લાસ્ટિકની બોટલમાં તળીએ ડિઝાઈન કેમ હોય છે?
ચાંદની મયંકભાઈ ધાનાણી (અમદાવાદ)
ઉપર ડિઝાઇન કરે તો વસ્તુ બોટલમાં કેમ ભરવી?
(૧૨)આ વખતે બે જેઠ છે?
રામભાઈ પટેલ (સુરત)
જેઠાણીને ખબર!
(૧૩)પોલીસની ભરતીમાં દિવાલ ના કૂદી શક્યો; કૂતરું પાછળ દોડ્‌યુ તો કૂદી ગયો. એવું કેમ ?
કનુભાઈ પરમાર (દામનગર)
રોજ કૂતરું પાછળ દોડે એવી વ્યવસ્થા કરો. એક દિવસ આ કૂતરું તમને દીવાલ કૂદતા શિખવાડી દેશે.
(૧૪) ગેસનો પ્રોબ્લેમ અમેરિકાને પણ છે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
ગેસનો મૂળ પ્રોબ્લેમ તો અમેરિકાને જ છે. આપણે તો એની નકલ કરી કરીને પ્રોબ્લેમવાળા થઈ ગયા છીએ!
(૧૫)એવો કયો સવાલ છે કે જેનો તમારી પાસે કોઈ જવાબ નથી?
વાસુદેવભાઇ સોઢા (અમરેલી)
આ.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..