રાજ્યમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિ તેજ બની છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલિકાકાર્જુન ખડગેના નિવેદનને લઇને રાજકારણ ગરમાયું છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. સીએમએ જણાવ્યું કે, ખડગેનું નિવેદન અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે આ નિવેદન કરીને ૬.૫ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. સાથે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરીમાને પણ ઠેસ પહોંચાડી છે.
તેમનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે ભાજપને મળી રહેલા વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ અસુરક્ષિત મહેસુસ કરી રહી છે. ગુજરાત અને ગુજરાતીઓનું, ગુજરાત વિરુદ્ધની કોંગ્રેસની માનસિકતા આજકાલની નહીં, વર્ષોથી છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની હાર ભાળી ગયેલા કોંગ્રેસના રાષ્ટીય અધ્યક્ષ બોખલાઇ ગયા છે અને આવા નિવેદનોનો બફાટ કરે છે. પરંતુ દેશની જનતા કોંગ્રેસને ઓળખી ગઇ છે.
નોંધનીય છે કે, રવિવારે, કેરળમાં વિધાનસભા ચૂંટણી માટેના પ્રચાર દરમિયાન, કોંગ્રેસ પ્રમુખ મલિકાકાર્જુન ખડગેએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને “અશિક્ષિત” ગણાવ્યા અને આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને “મૂર્ખ” બનાવી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે એક ભારે અને દુઃખી હ્રદય સાથે ૬.૫૦ કરોડ ગુજરાતીઓના આક્રોશને તમારા બધા વચ્ચે અહીં મૂકવા આવ્યા છીએ. રાજનીતિમાં વૈચારિક મતભેદ હોઈ શકે પરંતુ કોઈપણ રાજ્યના બધા નાગરિકોનું અપમાન કરવું તેમની બૌદ્ધિક ક્ષમતા પર સવાલ ઉઠાવવો એક માત્ર અશોભનીય નથી, પરંતુ કોંગ્રેસની સંપૂર્ણ બિમાર માનસિકતા વ્યક્ત કરે છે. આજે આ નિવેદન દરેક તે ગુજરાતીનું અપમાન છે જેણે પોતાની સૂઝબૂઝમાં આખી જિંદગી દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, જા તમે કોંગ્રેસીઓના નિવેદનના ઈતિહાસ પર નજર કરો તો સમજાશે કે આ લોકોના ડીએનએમાં ખાસ કરીને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે કેવા પ્રકારનું ઝેર ભરેલું છે. આ પહેલીવાર નથી કોંગ્રેસે ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કર્યું હોય, આ તેમની માનસિકતા છે. તેઓ જ્યારે જ્યારે તક મળશે, જ્યારે જ્યારે કોઈ રાજ્યમાં ચૂંટણી આવશે ત્યારે તે ગુજરાત અને ગુજરાતીઓને ગાળો આપીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરે છે. ખડગેજીએ માત્ર ગુજરાત પર સામાન્ય ટિપ્પણી નથી કરી આ સમજી વિચારીને કરેલું અપમાન છે. ૬.૫૦ કરોડ ગુજરાતીઓને તેમણે નિશાન બનાવ્યા છે. આ પહેલીવાર નથી કોંગ્રેસ વારંવાર ગુજરાતને નિશાન બનાવતી આવી છે. જે પાર્ટી ગુજરાતમાં જીતી નથી શકતી તે ગુજરાતને સંભળાવતી રહી છે આ નેતૃત્વ નહીં આ હારની દાઝ અને નિરાશા છે.






































