અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં સરકારી કચેરીઓની અનિયમિતતાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડિયામાં મોટાભાગની કચેરીઓ હાલ ચાર્જમાં ચાલે છે, જેમાં સીટી સર્વે ઓફિસ માત્ર અઠવાડિયામાં એક જ દિવસ એટલે કે દર મંગળવારે ખુલે છે. જોકે, આ કચેરીના કર્મચારીની લાલિયાવાડી અને અનિયમિતતાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, જો નિયત કર્મચારી મંગળવારે રજા પર હોય કે અન્ય કામગીરીમાં રોકાયેલા હોય, તો આ ઓફિસનું તાળું સીધું ૧૫ દિવસે ખુલે છે. કર્મચારી હાજર રહેશે કે નહીં તેનો ખ્યાલ લોકોને મંગળવારે બપોરે જ આવતો હોવાથી અરજદારોને ધરમના ધક્કા ખાવા મજબૂર બનવું પડે છે. આ પરિસ્થિતિને કારણે સામાન્ય જનતાની સાથે વડિયા બાર એસોસિએશનના વકીલોને પણ વહીવટી કામગીરીમાં વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવારના ધક્કા અને કામમાં થતા વિલંબને પગલે બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટને લેખિતમાં કડક રજૂઆત કરવામાં આવી છે. વકીલોએ અનિયમિત રહેતા કર્મચારી સામે તપાસ કરી કડક પગલાં લેવાની અને કચેરી નિયમિત સમયે ખુલે તેવી કાયમી વ્યવસ્થા કરવાની માંગણી કરી છે. વડિયા સીટી સર્વે ઓફિસની આ લાલિયાવાડી સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થયા બાદ હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને કચેરી ક્યારથી નિયમિત બને છે, તેના પર સૌની નજર ટકેલી છે. તંત્રના ઉદાસીન વલણને કારણે અરજદારોમાં લાંબા સમયથી અસંતોષ વ્યાપેલો છે.








































