સાવરકુંડલામાં જાહેર હિત અને સરકારી કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે ગુજરાત માહિતી આયોગે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. તાલુકાના રેવન્યુ સર્વે નંબર ૩૯૩ પૈકી ૧ ની જમીન, જે ‘વોરા જમાત કબ્રસ્તાન’ માટે ફાળવી હતી, તે અંગેની વિગતો છુપાવવી હવે તંત્ર માટે મુશ્કેલ બનશે. અરજદાર આરિફભાઈ ઇસાકભાઈ ઝાખરાએ ઇ્ૈં હેઠળ આ જમીન ફાળવણીના હુકમો અને દસ્તાવેજોની માંગણી કરી હતી. જોકે, સ્થાનિક જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારી દ્વારા સંતોષકારક પ્રતિસાદ ન મળતા મામલો ગાંધીનગર આયોગ સુધી પહોંચ્યો હતો. આ અપીલ નંબર અ-૦૮૯૬-૨૦૨૫ની સુનાવણી દરમિયાન અરજદારના વકીલ દીપેશ સી. જોશીએ ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, જમીન ફાળવણીના દસ્તાવેજો જાહેર હિતનો વિષય છે અને તે છુપાવી શકાય નહીં. બીજી તરફ, મામલતદાર કચેરીના પ્રતિનિધિએ રેકોર્ડની ચકાસણી કરી માહિતી આપવાની તૈયારી દર્શાવી હતી. આયોગે આ બાબતને ગંભીરતાથી લઈ આદેશો કર્યા છે કે, આગામી ૨૫ દિવસમાં અરજદારને તમામ માહિતી સંપૂર્ણપણે ‘વિનામૂલ્યે’ પૂરી પાડવી. માહિતી સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે જેથી તેની ચોક્કસ નોંધ રહે.










































