લીલીયા તાલુકાના કુતાણા ગામે નજીવી બાબતે ઉશ્કેરાયેલા એક શખ્સે પ્રૌઢ સાથે માથાકૂટ કરી મારપીટ કર્યા બાદ તેમનો વાડો સળગાવી નાખતા ચકચાર મચી ગઈ હતી. ભોથાભાઇ કુબેરભાઇ વડેચાએ ખારા ગામના કમલેશભાઇ ઉર્ફે કમો અમરૂભાઇ ગરણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. કુતાણા ગામે બનેલી આ ઘટનામાં આરોપીએ તેમને કોઈપણ કારણ વગર અચાનક ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઉશ્કેરાયેલા આરોપીએ ઢીકાપાટુનો મુંઢ માર મારી લોહીલુહાણ કરી નાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલેથી ન અટકતા, આરોપીએ તેમને તેમનો વાડો સળગાવી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ વાડાની બાવળના કાંટાની વાડમાં આગ ચાંપી દઈ નુકસાન પહોંચાડ્યું હતું.










































