બાબરા તાલુકાના નવાણીયા ગામે સોશિયલ મીડિયામાં મેસેજ કરવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવી હતી. નિર્મળાબેન જયંતીભાઈ સોંધરવા (ઉ.વ.૪૦)એ ઉદય નરેશભાઇ સોંધરવા, નરેશભાઇ પ્રેમજીભાઇ સોંધરવા તથા પ્રભાબેન નરેશભાઇ સોંધરવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના બહેનનો દીકરો જિજ્ઞેશ દિનેશભાઈ ચાવડા (રહે. સાણથલી, તા. જસદણ) અને તેમના દીકરા વચ્ચે અગાઉ મેસેજ કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ વિવાદનો સુખદ અંત લાવવા અને સમજાવટ માટે ફરિયાદીનો દીકરો વૈભવભાઈ જિજ્ઞેશ પાસે ગયો હતો. જોકે, આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી તથા સાક્ષીઓ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. તકરાર દરમિયાન ત્રણેય આરોપીઓએ એકસંપ થઈને ફરિયાદી અને સાક્ષીઓને ઢીંકાપાટુંનો માર મારી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ઉદય નરેશભાઈ સોધરવા (ઉ.વ. ૨૧) એ જંયતીભાઇ પ્રેમજીભાઇ સોંધરવા, વૈભવભાઇ જયંતીભાઇ સોંધરવા તથા નિર્મળાબેન જંયતીભાઇ સોંધરવા સામે ફરિયાદ નોંધાવી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.સી.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.










































