ગોંડલ પંથકમાં વન્યજીવ પ્રત્યેની સંવેદના અને સાહસનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલ વન વિભાગ અને સ્થાનિક સેવાભાવી યુવાનોના સંયુક્ત પ્રયાસોથી કૂવામાં ખાબકેલી એક નીલગાય (રોજ)ને સતત ૬ કલાકની જહેમત બાદ જીવતદાન મળ્યું છે. ગોંડલ ફોરેસ્ટ રેન્જ હેઠળની રમેશભાઈ પરસોત્તમભાઈ ચોવટિયાની વાડીમાં આ ઘટના બની હતી. રાત્રિના સમયે વિચરણ કરી રહેલી એક નીલગાય અચાનક ખુલ્લા કૂવામાં પડી ગઈ હતી.









































