અમદાવાદના મેમનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલમાં ભગવાન શ્રી રામચંદ્રજી અને સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. તા. ૧૯ થી ૨૯ માર્ચ દરમિયાન યોજાયેલા ‘ચૈત્રી કથામૃત’ મહોત્સવમાં હજારો ભક્તોએ ઉમટી પડી ધાર્મિક ભાવનાનો અનોખો માહોલ સર્જ્યો. ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીએ ‘સારસિદ્ધિ’ ગ્રંથ પર આધારિત કથામૃત દ્વારા શ્રોતાઓને ભાવવિભોર કર્યા. રામનવમીના દિવસે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. ભગવાન નીલકંઠવર્ણીનો કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવામાં આવ્યો અને ઘનશ્યામ મહારાજનું ૧૫૧ યજમાનો દ્વારા પૂજન થયું. બપોરે આરતી સાથે રામજન્મોત્સવ ઉજવાયો. રાત્રે સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો, જેમાં સંતોનું આશીર્વચન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાસ યોજાયા. અંતે ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધાર્મિક આનંદ અનુભવ્યો.