ગુજરાતમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ફરી એકવાર આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકાર વિરુદ્ધ મોરચો ખોલતા સરકારને ‘નિષ્ફળ’ અને ‘માયકાંગલી’ ગણાવી છે. કિસાન સંઘનો આરોપ છે કે સરકાર ખેડૂતોની વેદના સાંભળવાને બદલે માત્ર ઉદ્યોગપતિઓને છાવરવામાં મસ્ત છે. વાવ-થરાદ કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ૩૧ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવાની ગંભીર ચીમકી આપી છે.
આ વિવાદના મૂળ ગત ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ થયેલા શક્તિ પ્રદર્શનમાં રહેલા છે. કિસાન સંઘે ૨૧ વિવિધ પડતર માંગણીઓ સાથે ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું. તે સમયે મંત્રી ઋષિકેશ પટેલ અને જીતુ વાઘાણીએ મધ્યસ્થી કરી ૧૪ મુદ્દાઓ સ્વીકારવાની ખાતરી આપી હતી, જેના પગલે સરકારના ભરોસે ખેડૂતોએ તે સમયે પોતાનું આંદોલન મોકૂફ રાખીને સમેટી લીધું હતું.
વાવ-થરાદ જિલ્લા કિસાન સંઘના પ્રમુખે મીડિયા સમક્ષ રોષ ઠાલવતા જણાવ્યું કે, સરકારે અઠવાડિયામાં નોટિફિકેશન બહાર પાડવાનું વચન આપ્યું હતું, પરંતુ આજે અઢી મહિના વીતી ગયા હોવા છતાં એકપણ મુદ્દાની અમલવારી થઈ નથી. તેમણે આક્ષેપ કર્યો કે, “સરકાર ઉદ્યોગપતિઓના કામ ચપટી વગાડતા કરી આપે છે, પણ ગરીબ ખેડૂતો માટે તેમની પાસે સમય નથી. ખેડૂત હવે પાયમાલ થઈ ગયો છે અને તેને માત્ર અન્યાય જ મળી રહ્યો છે.”
કિસાન સંઘ હવે આ લડાઈને સીધી વડાપ્રધાન સુધી લઈ જવાના મૂડમાં છે. ૩૧ માર્ચના રોજ વડાપ્રધાન મોદી જ્યારે નાણી (બનાસકાંઠા) આવશે, ત્યારે કિસાન સંઘના પ્રતિનિધિઓ તેમને રૂબરૂ મળીને આવેદન પાઠવશે. જા વડાપ્રધાનને મળવાની મંજૂરી નહીં મળે, તો સખત વિરોધ પ્રદર્શન કરવાની અને કાળા વાવટા ફરકાવવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભારતીય કિસાન સંઘના આ આક્રમક તેવરથી હવે રાજ્ય સરકાર દબાણમાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે જા આ વખતે પણ પરિણામ નહીં મળે તો સરકારને આવનારી ચૂંટણીઓમાં તેનું માઠું પરિણામ ભોગવવું પડશે.










































