ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદાળા ગામે પ્રોહીબિશનના કડક અમલ વચ્ચે ક્રાઈમ બ્રાન્ચે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. મળતી બાતમીના આધારે પોલીસે યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે “રોયલ રાજા”ના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૨૪૯ બોટલો ઝડપી પાડી હતી, જેની અંદાજિત કિંમત રૂ. ૧.૦૨ લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત, દારૂની હેરફેર માટે વપરાતી ઇલેક્ટ્રિક બાઈક અને મોબાઈલ ફોન પણ પોલીસે કબજે કર્યા હતા. આમ કુલ મળી રૂ. ૨.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની આ કામગીરીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો ગયો છે.
દરોડા દરમિયાન આરોપી દિનેશ સોલંકી ઉર્ફે “રોયલ રાજા” પોલીસને જાઈ પાછળના દરવાજેથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા તેની શોધખોળ તેજ કરવામાં આવી છે અને નજીકના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ મામલે પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ સોનીંગસિંહ સિસોદિયાએ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે “રોયલ રાજા” અગાઉ પણ વિવિધ વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો છે. ફરી એકવાર આ ઘટનાને પગલે તે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ સતત સખત પગલાં લઈ રહી છે, જેના કારણે ગેરકાયદે પ્રવૃતિઓ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.










































