કોંગ્રેસ નેતા જયરામ રમેશે કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પશ્ચિમ એશિયાઈ સંઘર્ષમાં પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી રહ્યું હોવાના અહેવાલોને ભારતની પ્રાદેશિક રાજદ્વારીની મોટી નિષ્ફળતા ગણાવી હતી. રમેશે વિદેશ પ્રધાન એસ. જયશંકરની પણ ટીકા કરી હતી, આરોપ લગાવ્યો હતો કે જયશંકર ભારતની શરમ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ અંગે, જયરામ રમેશે સોશિયલ મીડિયા પર લખ્યું, “આ ભૂમિકા માટે પાકિસ્તાનને યોગ્ય માનવામાં આવી રહ્યું છે તે ખરેખર ખૂબ જ વાંધાજનક છે.” તેમણે લખ્યું, “આ એ જ દેશ છે જેની રાજ્ય વ્યવસ્થા – ચાર દાયકાથી વધુ સમયથી ભારત અને અન્ય દેશોમાં આતંકવાદને પ્રાયોજિત અને આયોજિત કરી રહી છે. દશકોથી ઓસામા બિન લાદેન અને અન્ય ખતરનાક વૈશ્વિક આતંકવાદીઓને મદદ કરી.
પરમાણુ અપ્રસાર કાયદાઓના સ્પષ્ટ ઉલ્લંઘનમાં અન્ય દેશોને પરમાણુ ક્ષમતાઓ પ્રાપ્ત કરવામાં મદદ કરી. એ.ક્્યુ. ખાન નેટવર્કની ભૂમિકા સારી રીતે દસ્તાવેજીકૃત છે, અને તે સમયના રાષ્ટ્રપતિ મુશર્રફે પણ જાહેરમાં તેનો સ્વીકાર કર્યો હતો.” તેણે અફઘાનિસ્તાનમાં હોસ્પિટલોઅને નાગરિક લક્ષ્યો પર નિર્દયતાથી બોમ્બમારો કર્યો અને બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા અને અન્ય વિસ્તારો સહિત વિવિધ પ્રાંતોમાં પોતાના નાગરિકો અને ધાર્મિક લઘુમતીઓ સામે યુદ્ધ છેડ્યું.
આ છતાં, મધ્યસ્થી તરીકે પાકિસ્તાનને યોગ્ય માનવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજદ્વારીના મૂળ અને પદ્ધતિ બંને પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
કોંગ્રેસ નેતાએ વડા પ્રધાન મોદીની રાજદ્વારીની તુલના ભૂતપૂર્વ વડા પ્રધાન ડા. મનમોહન સિંહ સાથે કરી. તેમણે કહ્યું કે ૨૬/૧૧ના મુંબઈ હુમલા પછી ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ કરી દીધું હતું. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એપ્રિલ ૨૦૨૫માં પહેલગામ હુમલા અંગે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના ઉશ્કેરણીજનક નિવેદનો છતાં, ભારત પાકિસ્તાનને અલગ પાડવામાં નિષ્ફળ ગયું છે; તેનાથી વિપરીત, પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય મહત્વ વધી ગયું છે. રમેશે દાવો કર્યો હતો કે ફિલ્ડ માર્શલ અસીમ મુનીર હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની ટીમના પ્રિય બની ગયા છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠક બાદ આ નિવેદન આવ્યું છે. બેઠકમાં સરકારે વિપક્ષી નેતાઓને ખાતરી આપી હતી કે ભારત આ કટોકટી વચ્ચે મજબૂત રીતે ઊભું છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, વિદેશ મંત્રી જયશંકર અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઉર્જા સુરક્ષા અને વિદેશમાં ફસાયેલા ભારતીયોની સલામતી અંગે માહિતી પૂરી પાડી હતી. સરકારે જણાવ્યું હતું કે પુરવઠા શૃંખલા ખોરવાઈ ન જાય તે સુનિશ્ચિત કરવા માટે તે તમામ દેશો સાથે સંપર્કમાં છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષોના નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસે બેઠકમાં ભાગ લીધો ન હતો. ઇઝરાયલ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે યુદ્ધ ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.









































