શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ ઉભી રહેતી લારીઓને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે રાજુલા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાહેર રોડ પર રાહદારીઓ અને વાહનોને અડચણ થાય તે રીતે લારીઓ ઉભી રાખનારા બે શખ્સો વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ, રાજુલા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેર માર્ગો પર ટ્રાફિકમાં અવરોધ ઉભા કરતા બે અલગ-અલગ કિસ્સાઓમાં કાર્યવાહી કરી હતી. ફ્રૂટની લારી અને ડુંગળીની લારી લઈને બે વિક્રેતા જાહેર માર્ગ પર ટ્રાફિકને નડતરરૂપ થાય તેવી સ્થિતિમાં રાખીને વેચાણ કરતા પકડાયા હતા. આ લારીને કારણે રસ્તા પરથી પસાર થતા વાહનોને ભારે મુશ્કેલી પડી રહી હતી. રાજુલાના મુખ્ય બજારો અને રોડ પર લારીઓના દબાણને કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેને જોતા આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહે તેવી શક્યતા છે.









































