ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ અંગે અછતની ચર્ચાઓ વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં કોઈ પણ પ્રકારની કમી નથી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આ તરફ હવે વિધાનસભામાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્ય ગેસ ક્ષેત્રે ખૂબ મજબૂત છે. સમગ્ર દેશમાં ગેસની જે રિગેસિફિકેશન ક્ષમતા છે તેમાં મોટો હિસ્સો ગુજરાત પાસે છે. રાજ્યમાં હજારો સીએનજી સ્ટેશનો કાર્યરત છે અને લાખો ઘરોમાં પીએનજી ગેસ પહોંચે છે, જેના કારણે પુરવઠો નિયમિત રીતે ચાલુ છે.
આ સાથે સરકારે જણાવ્યું કે, અફવાઓના કારણે ઈંધણની માંગ અચાનક વધી ગઈ હતી અને ઘણા સ્થળોએ લોકો ભયના કારણે વધુ પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા લાગ્યા હતા. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે વેચાણ પર નિયંત્રણ મુક્યા છે. હવે મુખ્યત્વે વાહનોમાં જ ઈંધણ ભરાશે અને ખાસ જરૂરિયાત ધરાવતા ખેડૂતો અને મોબાઈલ ટાવર માટે મર્યાદિત પ્રમાણમાં બેરલમાં ઈંધણ આપવામાં આવશે.
રાંધણ ગેસના પુરવઠા પર નજર રાખવા માટે રાજ્યભરમાં વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો ખાતરી કરશે કે ગેસ સમયસર લોકોને મળે અને કોઈ પ્રકારની અડચણ ઉભી ન થાય. નાગરિકોની સહાય માટે હેલ્પલાઇન નંબર પણ કાર્યરત છે, જ્યાં ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.
આ દરમિયાન વિપક્ષે સરકારના દાવા પર પ્રશ્નો ઊભા કર્યા છે. કેટલાક નેતાઓએ લોકોમાં ગભરાટ અને ઉદ્યોગ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો છે, જ્યારે સરકાર તરફથી વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે, નાગરિકોએ અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને શાંતિ જાળવી રાખવી.