ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઈરાકમાં તેહરાન સમર્થિત લશ્કરી લડવૈયાઓના મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યું, જેમાં એક કમાન્ડર સહિત ૧૪ લડવૈયાઓ માર્યા ગયા. આ હુમલા માટે અમેરિકાને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે, જોકે હજુ સુધી કોઈએ હવાઈ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. હુમલા બાદ, મુખ્યાલયમાંથી ઉંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા.

આ હુમલામાં એક મુખ્ય લશ્કરી કમાન્ડર માર્યો ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ હુમલો ઇરાકમાં શિયા લશ્કર પર કરવામાં આવ્યો હતો. ઇરાકના જણાવ્યા અનુસાર, અનબાર પ્રાંતમાં પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સિસના મુખ્ય મથકને નિશાન બનાવીને હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક સૂત્રો કહે છે કે આ હુમલામાં એક કમાન્ડર સહિત ૧૪ લડવૈયાઓ માર્યા ગયા હતા. લશ્કરે આ હુમલા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે અને તેને ઇરાકની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ ઘટના આ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે આવી છે, જેમાં અમેરિકા અને ઇઝરાયલ ઈરાન પર હુમલા કરી રહ્યા છે.

ઈરાન સમર્થિત લશ્કરી જૂથો દ્વારા અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર બદલો લેવાના હુમલાઓ વચ્ચે લશ્કર પર આ હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. લશ્કરને ઈરાન તરફી માનવામાં આવે છે. અમેરિકાએ તાજેતરમાં જ ઈરાકમાં લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા પણ કર્યા છે.