ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામે છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા રેલવે આંદોલનનો રવિવારે અંત આવ્યો છે. જૂનાગઢ-દેલવાડા અને વેરાવળ-દેલવાડા મીટરગેજ ટ્રેનો અચાનક બંધ કરી દેવાતા સ્થાનિક ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ હતો. આ જીવાદોરી સમાન ટ્રેનો પુનઃ શરૂ કરવાની માંગ સાથે હરમડિયા સ્ટેશને પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા. આજે કેબિનેટ મંત્રી ડા. પ્રદ્યુમનભાઈ વાજા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને અન્ય અગ્રણીઓએ આંદોલન છાવણીની મુલાકાત લીધી હતી. મંત્રીએ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી રજૂઆત કરતા સકારાત્મક ખાતરી મળી હતી. ત્યારબાદ મંત્રીએ ઉપવાસ છાવણી પર બેઠેલા આંદોલનકારીઓને પારણા કરાવી આંદોલન સમેટાવ્યું હતું. આ પ્રસંગે કાળુભાઇ રૂપાલા, હાર્દિકભાઇ પાનસુરીયા અને ભરતભાઈ શિંગડ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.










































