ઉનાના સામતેર પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડિબાગ વાદળો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. આ કમોસમી વરસાદથી કેરી, ઉનાળુ બાજરી, તલ, મગ, ટેટી અને તરબૂચ જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સામતેર ઉપરાંત કાણક, બરડા, ઉમેજ, પાતાપુર, ગરાળ, સુલતાનપુર અને રામેશ્વર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. સામતેર ગામના ખેડૂત ભુપતભાઈ જાદવે આઠ વીઘામાં ટેટીનું વાવેતર કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘મેં બે લાખથી વધુનો ખર્ચ કર્યો હતો. પાક તૈયાર થઈને ઉતારવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે સંપૂર્ણ પાક બગડી ગયો છે.’ ભુપતભાઈએ વધુમાં ઉમેર્યું કે, ‘ખર્ચ પણ નીકળે તેમ નથી અને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.’ તેમને ટેટીનો પાક માર્કેટમાં મોકલવાની મોટી આશા હતી, પરંતુ વરસાદે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે.









































