અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય સ્તરે છેતરપિંડી આચરતી ગેંગના ત્રણ રીઢા ગુનેગારોને દબોચી લીધા છે. આ ટોળકી ગ્રાહકોને ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર ૧૦% થી ૪૫% સુધીના માતબર ડિસ્કાઉન્ટની લોભામણી જાહેરાતો આપી શિકાર બનાવતી હતી. વર્ષ ૨૦૨૩ માં સાવરકુંડલા ખાતે ‘ગોલ્ડસ્ટાર હોમનીડ્‌સ ઓર્ડર સપ્લાયર્સ’ નામનો શોરૂમ ખોલી ગ્રાહકો પાસેથી એડવાન્સમાં લાખો રૂપિયા ઉઘરાવી આરોપીઓ રાતોરાત શોરૂમ બંધ કરીને ફરાર થઈ ગયા હતા. ઇમરાનભાઈ ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં આશરે રૂ.૩,૧૪,૧૩૦/- ની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું. એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એ.ડી. ચાવડા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી એમ. ગણેશન મુથૈયા, રાજેન્દ્રન થંગાવેલ અને મેરીઅપ્પન નાડેસન નામના ત્રણ શખ્સોને પકડી પાડ્‌યા છે જેઓ મૂળ તમિલનાડુના વતની છે. પકડાયેલા આરોપીઓ ગુજરાત ઉપરાંત ઝારખંડ, ઓડિશા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ વોન્ટેડ હતા. ખાસ કરીને રાજેન્દ્રન સામે ત્રણ અલગ-અલગ રાજ્યોમાં ગુનાઓ નોંધાયેલા છે. હાલ આ ત્રણેય આરોપીઓને વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા છે અને તેમની પાસેથી વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.