શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સેક્ટર-૪/છ કોર્નર પાસે આવેલા સ્વરાજ કોમ્પલેક્ષના ફ્લેટ નં. છ/૧૦૨માં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી લૈલેશ ચૌધરી નામના યુવકને ચરસના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે લૈલેશ ચૌધરીની તપાસ કરતા તેની પાસેથી આશરે ૧.૫૫૭૪ કિલોગ્રામ ચરસ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે લાખોમાં થાય છે. આ ઉપરાંત અન્ય સામગ્રી સહિત કુલ રૂ. ૩,૯૪,૩૫૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર એલસીબી ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે એક ઈસમ શહેરમાં ચરસની નાની-નાની પડીકીઓ બનાવી જાહેર સ્થળોએ ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યો છે અને ખાસ કરીને યુવાનોને નશાના રવાડે ચડાવી રહ્યો છે. આ માહિતીના આધારે ન્ઝ્રમ્ પોલીસ ઇન્સ્પેક્ટર ડી. બી. વાળાની ટીમે ચોક્કસ આયોજન કરીને સ્વરાજ કોમ્પલેક્ષ ખાતે રેડ કરી.
રેડ દરમિયાન ફ્લેટમાંથી લૈલેશભાઈ કુંભાભાઈ ચૌધરી (ઉંમર ૨૦ વર્ષ)ને પકડી લઈ ઘરનો સામાન તપાસતાં કાળાશ પડતો કથ્થઈ રંગનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી એક મોબાઇલ ફોન, પોલીથીનની કોથળીઓ, સુટકેસ, કપડાંની થેલી અને અન્ય દસ્તાવેજા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી ચરસની નાની પડીકીઓ બનાવી શહેરમાં ચોરીછૂપીથી વેચાણ કરતો હતો. તપાસ દરમિયાન તેને ચરસનો જથ્થો આપનાર થરાદનો એક અન્ય આરોપી ભૂરાભાઈનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ ફરાર છે. પોલીસ તેની શોધખોળમાં લાગી છે અને જલ્દીથી તેને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે.
મહત્વની વાત એ છે કે પકડાયેલો આરોપી લૈલેશ ચૌધરી છેલ્લા છ મહિનાથી બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાંથી ગાંધીનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. આરોપી સરકારી નોકરી માટે તૈયારી કરવાના બહાને ગાંધીનગર આવ્યો હતો, પરંતુ પાછળથી નશીલા પદાર્થોના વેપારમાં સંડોવાયો હોવાનું સામે આવ્યું છે. તેની મોડસ ઓપરન્ડી એવી હતી કે તે સીધો ગ્રાહકો સાથે સંપર્ક કરતો નહોતો, પરંતુ લારી-ગલ્લા મારફતે નાની પડીકીઓ બનાવી સપ્લાય કરતો હતો.
હાલ આ સમગ્ર મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ કોમર્શિયલ માત્રામાં મળેલા ચરસના જથ્થાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કેસની વધુ તપાસ એસઓજી ક્રાઇમને સોંપવામાં આવી છે.










































