સોશિયલ મીડિયા પર શેરબજારમાં રોકાણના નામે ચાલતા ઠગાઈના નેટવર્કનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ફેસબુક પર ‘5Paisa’ જેવી જાણીતી કંપનીના નામે નકલી જાહેરાત મૂકીને ભેજાબાજોએ જાફરાબાદના લુણસાપુરમાં સિન્ટેક્ષ યાર્ન લીમીટેડના જનરલ મેનેજર પાસેથી કુલ રૂ.૧,૨૨,૮૫,૦૦૦ પડાવી લીધા હતા. આ અંગે મૂળ હરિયાણાના અને જાફરાબાદ સીન્ટેક્ષ કોલોની સ્ટાફ કોલોનીમાં રહેતા વિકાસ શ્રીરામસ્વરૂપ યાદવ (ઉ.વ.૪૪) એ અજાણ્યા મોબાઈલ નંબરવાળા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓએ ફેસબુક પર ‘5Paisa stock research (BUY/HOLD/SELL)’ નામની એક આકર્ષક પણ બનાવટી પોસ્ટ મૂકી હતી. ફરિયાદીએ આ જાહેરાત જોઈ સંપર્ક કરતા ‘શાલીની કુલકર્ણી’ નામના આઈડી પરથી વોટ્સએપ ગ્રુપની લિંક મોકલવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આરોપીઓએ તેમને શેરબજારમાં મોટો નફો થશે તેવી લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ‘5PCLPMTAMAX’ નામની એક શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશનમાં તેમને વર્ચ્યુઅલ પ્રોફિટ બતાવીને વધુ રોકાણ કરવા લલચાવ્યા હતા. તેમને વધુ ભરોસો અપાવવા માટે આરોપીઓએ ‘5paisa કસ્ટમર કેર’ના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી જુદા જુદા ૪ મોબાઈલ નંબરો પરથી વાતચીત કરી હતી. તેમની પાસે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.૧.૨૨ કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. જ્યારે તેમણે એપ્લિકેશનમાં દેખાતો નફો ઉપાડવા માંગણી કરી,
આભાર – નિહારીકા રવિયા ત્યારે આરોપીઓએ વધુ રૂ.૫૦ લાખ ફી તરીકે માંગ્યા હતા અને ધમકી આપી હતી કે જો આ રકમ નહીં ભરો તો જૂના પૈસા પણ પાછા મળશે નહીં. પોતે છેતરાયા હોવાનું માલૂમ પડતા તેમણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પી આઈ જે.આર.ભાચકન વધુ તપાસ કરી રહ્યા છે.









































