રાજ્યમાં અકીક, પથ્થર, બાંધકામના વ્યવસાયમાં રોકાયેલા અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ તથા સ્વાશ્રયી વ્યવસાયિકોને સિલિકોસિસ જેવા ગંભીર વ્યવસાયલક્ષી રોગથી રક્ષણ અને સહાય માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત આરોગ્ય કમિશનરની કચેરી દ્વારા સિલિકોસિસથી પીડિત દર્દીઓ માટે આ બીમારી અંગેનું નિદાન અને સારવારની સુવિધાઓ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને જી.એમ.ઇ.આર.એસ. કોલેજા ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ખાસ કરીને અકીક, પથ્થર, બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા અસંગઠિત શ્રમયોગીઓ અને સ્વાશ્રયી વ્યવસાયિકોને સિલિકોસિસ રોગથી મૃત્યુના કિસ્સામાં વારસદારોને રૂ. ૪ લાખ અને બીમારીના કિસ્સામાં દર્દીને રૂ. ૩ લાખની સહાય ચૂકવવામાં આવે છે, તેમ ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અગાઉના વર્ષોની સરખામણીમાં ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૪૮ વારસદારોને રૂ. ૧.૮૨ કરોડની સૌથી વધુ સહાય આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષમાં સિલિકોસિસ રોગથી મૃત્યુના કિસ્સામાં મૃતકોના કુલ ૨૦૫ વારસદારોને રૂ. ૩.૩૯ કરોડની સહાય આપવામાં આવી છે.
આ યોજનાનો લાભ લેવા માટે પાત્ર શ્રમયોગીઓ તથા સ્વાશ્રયી વ્યવસાયિકો દ્વારા બોર્ડની અધિકૃત વેબસાઈટhttps://grwwb.guja®a.gov.in પરથી યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. વધુમાં આ યોજના હેઠળ પાત્રતા ધરાવનાર શ્રમયોગીઓ અને સ્વાશ્રયી વ્યવસાયિકો દ્વારા સંબંધિત જિલ્લા કક્ષાએ ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્ય તંત્રની કચેરી અથવા શ્રમ આયુક્ત તંત્રની જિલ્લા કચેરીએથી આર્થિક સહાય અંગેનું નિયત અરજીપત્રક ભરવાનું રહેશે.
જેની સાથે અન્ય સાધનિક કાગળોની પ્રમાણિત નકલો સહિત બે નકલોમાં સબંધિત જિલ્લાની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીએ અથવા જિલ્લાની સરકારી શ્રમ અધિકારીની કચેરીએ પહોંચાડવાનું રહેશે, તેમ ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.










































