લીલીયા તાલુકા પંચાયત ભવન ખાતે ૧૨ માર્ચના રોજ સવારે ૧૦ કલાકે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ઉપજ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેન્દ્રનું ઉદઘાટન તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ઝેરમુક્ત ખેતી દ્વારા ઉત્પાદિત લીલા શાકભાજી અને ઘઉંની સાથે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલી વિવિધ વસ્તુઓ જેવી કે સાબુ અને શેમ્પૂ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સ્થાનિક ગ્રાહકોએ શુધ્ધ ખેત પેદાશોની હોંશે હોંશે ખરીદી કરી હતી. આ તકે ઉપસ્થિત તજજ્ઞોએ લોકોને પ્રાકૃતિક ખેતીના ફાયદા અને તેનાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે ઊંડાણપૂર્વક સમજણ પૂરી પાડી હતી.