ગામડાઓ માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. જોકે અમરેલી જિલ્લાના લોકોમાં તીર્થગામ-પાવનગામ યોજનાનો લાભ લેવામાં ઉદાસીનતા જોવા મળી હતી. વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ વિગત સામે આવી હતી.લાઠીના ધારાસભ્ય જનક તળાવીયાએ પૂછ્યું કે, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમરેલી જિલ્લામાં કુલ કેટલા ગામને તીર્થગામ પાવનગામ જાહેર કરવામાં આવ્યા છે અને આ માટે કેટલું પ્રોત્સાહક અનુદાન આપવામાં આવ્યું છે.
જેનો જવાબ આપતાં પંચાયત મંત્રીએ જણાવ્યું, ૨૦૨૩-૨૪માં તીર્થગામ – ૭, પાવનગામ ૮, ૨૦૨૪-૨૫માં તીર્થગામ – શૂન્ય અને પાવનગામ ૫ મળી કુલ ૭ તીર્થગામ અને ૧૩ પાવનગામ જાહેર કરવામાં આવ્યા હતા. ૨૦૨૩-૨૪માં તીર્થગામ માટે રૂ. ૧૪ લાખ અને પાવનગામ માટે રૂ. ૮ લાખ તથા ૨૦૨૪-૨૫માં તીર્થગામ માટે ૦ અને પાવનગામ માટે ૧૨.૫૦ લાખ મળી તીર્થગામ માટે કુલ ૧૪ લાખ અને પાવનગામ માટે ૨૦.૫૦ લાખ પ્રોત્સાહક અનુદાન આપવામાં આવ્યું છે.


































