વડિયા તાલુકાના ભુખલી સાથલી ગામની સાધનાબેન બાબુભાઈ જીકાદરા આજે સમગ્ર સમાજ માટે જીવંત પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે. માત્ર છ મહિનાની નાની ઉંમરે આવેલી આંચકીએ સાધનાબેનના હાથોને કાયમ માટે નિષ્ક્રિય કરી દીધા અને બોલવામાં પણ તકલીફ ઊભી કરી હતી. એક સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવાર માટે આ વજ્રઘાત સમાન હતું. પિતા બાબુભાઈએ દીકરીને સાજી કરવા માટે ૬૦ જેટલા ડોક્ટરોની મુલાકાત લીધી પરંતુ નસીબે સાથ ન આપ્યો. છતાં આ પરિવાર હાર્યો નહીં અને સાધનાબેને પોતાની લાચારીને જ પોતાની શક્તિ બનાવી દીધી. આજે ૨૫ વર્ષની વયે સાધનાબેન પોતાના પગોનો ઉપયોગ હાથની જેમ કરીને ઘરના તમામ કાર્યો જેવા કે કપડાં ધોવા, વાસણ સાફ કરવા, ચા બનાવવી અને મોબાઈલ ચલાવવા સુધીના કામો કુશળતાપૂર્વક કરે છે. ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કરતા પિતા માટે સાધના એક દીકરી નહીં પણ દીકરા સમાન ટેકો બની છે. સરકાર તરફથી મળતી નજીવી સહાય છતાં, આ દીકરીની હિંમત અને માતા-પિતાનો અતૂટ વિશ્વાસ સાબિત કરે છે કે જો મન મક્કમ હોય તો કોઈપણ શારીરિક અક્ષમતા પ્રગતિના પથમાં આડે આવતી નથી. સાધનાબેનનો આ સંઘર્ષ સમાજમાં હારી ગયેલા લોકો માટે આશાનું એક નવું કિરણ છે.’




































