સાવરકુંડલાની સ્થાનિક અદાલતમાં જામીનદાર તરીકે રજૂ થયેલા એક શખ્સે પોતાની વિગતો છુપાવી ખોટું સોગંદનામું રજૂ કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ અન્ય કેસમાં જામીન રહ્યા હોવા છતાં, આ વિગત છુપાવીને ફરીથી જામીન થવા આવતા આ છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. અમરેલીમાં રહેતા મુકેશભાઇ નાનજીભાઇ મકવાણા (ઉ.વ.૫૪)એ સાવરકુંડલાના જુના સાવર ગામના નારણભાઈ દાનાભાઈ બગડા સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગત મુજબ, સાવરકુંડલાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટની રજિસ્ટ્રાર ઓફિસમાં ફોજદારી કેસ નંબર ૧૦૪૫/૨૫ ના કામે એક શખ્સ જામીનદાર તરીકે રજૂ થયો હતો. જામીન પ્રક્રિયા માટે તેણે જરૂરી કાગળો, આધાર-પુરાવા, સોગંદનામું અને જામીનખત કોર્ટમાં જમા કરાવ્યા હતા. જ્યારે કોર્ટના અધિકારીઓ દ્વારા જામીનદારના સોગંદનામાની તપાસ કરવામાં આવી, ત્યારે ધ્યાને આવ્યું કે સોગંદનામાની કોલમ નંબર ૭ (જેમાં છેલ્લા છ મહિનામાં અન્ય કોઈ કેસમાં જામીન થયા છે કે કેમ તેની વિગત આપવાની હોય છે) માં આરોપીએ ‘નાજી’ લખ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ જામીનદાર અગાઉ તારીખ ૨૨/૦૧/૨૦૨૬ ના રોજ અન્ય એક ફોજદારી કેસ (નંબર ૨૫૧૪/૨૨માં જામીન તરીકે રહી ચૂક્યો હતો. આ હકીકત જાણવા છતાં તેણે કોર્ટ સમક્ષ ખોટી માહિતી આપીને અને ખોટું સોગંદનામું રજૂ કરીને ગુનો કર્યો હતો. કોર્ટમાં ન્યાયતંત્ર સમક્ષ ખોટા પુરાવા રજૂ કરવા બદલ સંબંધિત શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.





































