સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ વિસ્તારમાં કોથળામાં બંધ હાલતમાં મળી આવેલી વૃદ્ધાની લાશ મળી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાંચને મહત્વની સફળતા મળી છે. હત્યાકાંડમાં પોલીસે મૃતકની પુત્રવધુ અને તેના પુત્ર સહિત ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આખી ઘટના જાણીને તમે પણ બે ઘડી માટે ચોંકી જશો. હત્યાના આ બનાવને લઈને શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
બનાવ અંગે જો વિગતવાર વાત કરવામાં આવે તો, અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ નિયમિત સફાઈ કામગીરી દરમિયાન એક શંકાસ્પદ કોથળો પડેલો જાવા મળ્યો હતો. શંકા જતાં કર્મચારીઓએ કોથળો ખોલતા અંદરથી આશરે ૫૭ વર્ષીય મહિલાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવતાં અમરોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અજાણ્યા શખ્સોએ મહિલાની લાશ કોથળામાં બાંધી અહીં ફેંકી દીધી હતી.
આ ઘટનાને ગંભીરતાથી લઈ ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. ટેÂક્નકલ તથા માનવ સૂત્રોની મદદથી તપાસ કરતાં આખરે હત્યાના આ કેસનો પર્દાફાશ થયો . તપાસ દરમિયાન પોલીસે સબાના અને પરવેઝ નામના બે આરોપીઓ સહિત કુલ ત્રણને ઝડપી પાડ્યા છે. સબાના મૃતકની પુત્રવધુ છે અને પરવેઝ સબાનાનો દિયર છે એટલે કે મૃતક વૃદ્ધાનો પુત્ર છે. જે પુત્રને ભણાવી ગણાવીને મોટો કર્યો તેણે જ તેના ભાભી સાથે મળીને માતાની હત્યા કરી નાખી. આ કેસમાં સબાનાના પિતાની પણ પોલીસે ધરપકડ કરી છે.
પોલીસને પહેલી શંકા ત્યારે ગઈ જ્યારે લાશ બાંધવા માટે વપરાયેલી દોરી મૃતકના ઘરમાંથી જ મળી આવી. ક્રાઇમ બ્રાંચે જ્યારે કડકાઈથી પૂછપરછ કરી ત્યારે સંબંધોનું જે કદરૂપું પાસું બહાર આવ્યું તે જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. આ હત્યાનો પ્લાન બીજે ક્યાંય નહીં પણ ઘરની અંદર જ ઘડાયો હતો. મૃતકની પુત્રવધૂ શબાના અને હમીદાબાનુનો નાનો દીકરો પરવેઝ આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. જેની જાણ માતાને થઈ જતાં ઘરમાં રોજ ઝઘડા થતા હતા. જેથી કાંટાને રસ્તામાંથી હટાવવા માટે બંનેએ હત્યાની યોજના બનાવી હતી. જેમાં શબાનાએ બિહારથી પોતાના પિતા ફિરોઝ આલમને સ્પેશ્યલ મર્ડર કરવા માટે સુરત બોલાવ્યો હતો.
સબાનાએ ગળું દબાવીને તેની સાસુને મોતને ઘાટ ઉકતારી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને એક દિવસ ઘરમાં જ સંતાડી રાખી. બીજા દિવસે સવારે ફિરોઝ આલમ એકલો જ લાશ ભરેલો કોથળો ખભા પર ઊંચકીને ઘરથી દૂર ફેંકી આવ્યો અને સીધો બિહાર ભાગી ગયો. પણ કહેવાય છે ને કે ‘પાપ છાપરે ચડીને પોકારે છે’. સીસીટીવીમાં કેદ થયેલા ફિરોઝના એ ૧૬ સેકન્ડના ફૂટેજે આખા મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઊંચકી દીધો. ક્રાઇમ બ્રાંચે શબાના અને પરવેઝની ધરપકડ કરી લીધી છે, જ્યારે પિતા ફિરોઝને પટના રેલવે સ્ટેશનથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ હવે હત્યાના ચોક્કસ કારણો તેમજ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ કરી રહી છે. આ સમગ્ર મામલે સુરત પોલીસના અધિકારી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને ક્રાઇમ બ્રાંચની મદદથી ટૂંકા સમયમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આગળની તપાસ ચાલુ છે.







































