સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે ગ્રામ પંચાયત દ્વારા ચાલી રહેલા વિકાસ કાર્યોમાં ગુણવત્તા મુદ્દે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ગામ નજીક આવેલી ધામણિયા નદી પર લોકોની અવરજવર માટે બનાવવામાં આવી રહેલા કોઝવેના કામમાં નબળી ગુણવત્તા જણાતા પંચાયત એક્શન મોડમાં આવી છે. આ અંગે ફરિયાદ મળતા ઉપસરપંચ જીતુભાઈ ચોવટીયાએ રૂબરૂ સ્થળ પર જઈ કામનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં મટિરિયલ અને બાંધકામની મજબૂતાઈ સંતોષકારક ન જણાતા તેમણે તાત્કાલિક નબળું કામ તોડી પાડવાની સૂચના આપી હતી.
ગામ પંચાયતના કડક આદેશને પગલે જેસીબી મશીન દ્વારા કોઝવેના બનેલા નબળા ભાગને તોડી પાડીને તેને દૂર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉપસરપંચે જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે થતું દરેક કામ પારદર્શકતા અને ઉચ્ચ ગુણવત્તા સાથે થાય તે ગ્રામ પંચાયતની પ્રથમ પ્રાથમિકતા છે અને વિકાસના કામોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. હવે આ કોઝવેનું કામ ફરીથી યોગ્ય ધોરણો અને મજબૂતાઈ સાથે તાત્કાલિક શરૂ કરવામાં આવશે.