અમદાવાદ શહેરના મહત્વપૂર્ણ પુલોમાંનો એક સુભાષ બ્રિજના જૂના ભાગને તોડીને નવો બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. બ્રિજના કેટલાક સ્પાન બેસી જવાના કારણે સલામતીને ધ્યાનમાં રાખીને તેને તોડી નવો અને વધુ મજબૂત બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે ૨૩૫ કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. હાલ બ્રિજ તોડવા અને નવા બ્રિજ માટે જરૂરી પ્રાથમિક કામગીરી શરૂ થઈ ગઈ છે.
માહિતી અનુસાર સુભાષ બ્રિજના જૂના સ્ટ્રક્ચરને તોડવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. ખાસ કરીને બ્રિજના મધ્ય ભાગમાં આવેલા લગભગ ૬ સ્પાનને તોડી નવો બનાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ડિમોલિશન માટે ખાસ ટેકનીકલ મેથડ પણ તૈયાર કરવામાં આવી રહી છે, કારણ કે આ બ્રિજ વર્ષો જૂનો છે અને ખાસ ડિઝાઇનથી બનાવવામાં આવ્યો હતો. તેથી કયા ભાગને કેવી રીતે તોડવો તેની વિગતવાર યોજના બનાવવામાં આવી છે.
આ કામગીરી સરળતાથી થઈ શકે તે માટે ૧ એપ્રિલથી ૧૫ જૂન સુધી સાબરમતી નદીમાં પાણી રોકવામાં આવશે. રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજમાં મરામત અને નવા ગેટ્‌સ લગાવવાની કામગીરી પણ આ સમયગાળા દરમિયાન કરવામાં આવશે. આ કારણે નદીનો મોટો ભાગ ખાલી રહેશે, જેથી બ્રિજ તોડવાની કામગીરી સુરક્ષિત રીતે કરી શકાય.
નવો બ્રિજ બનાવવા માટે જમીનની ક્ષમતા તપાસવા માટે સોઇલ ટેસ્તિગ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં નવા પાયા કેટલા ઊંડા બનાવવા પડશે, બ્રિજ પર કેટલો ભાર રહેશે અને સ્ટ્રક્ચર કેવી રીતે તૈયાર કરવું તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો લક્ષ્ય છે કે નવો સુભાષ બ્રિજ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં તૈયાર થઈ જાય.