ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતિય લગ્નોને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓનો માહોલ જાવા મળી રહ્યો છે. અગાઉ ગાયિકા કિંજલ દવે અને આરતી સાંગાણીના લગ્ન મુદ્દે વિવાદ ઉભા થયા બાદ હવે રાધનપુરની લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈને પણ ચર્ચા તેજ બની છે.
મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામની રહેવાસી અને લોકગાયિકા તરીકે ઓળખ ધરાવતી કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા છે. લગ્ન બાદ ગાયિકાએ સોશિયલ મીડિયા દ્વારા પોતે અને પોતાના પતિને સુરક્ષાની જરૂર હોવાનું જણાવતાં ચિંતા વ્યક્ત કરી છે.
કિંજલ રબારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે જણાવ્યું કે તેમણે લગ્ન પહેલા પોતાના પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિવાર તરફથી સહમતી ન મળતાં અંતે બંનેએ પ્રેમલગ્ન કરવાનો નિર્ણય લીધો.
ગાયિકાએ જણાવ્યું કે તેમના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ અને ટિપ્પણીઓ થઈ રહી છે. ખાસ કરીને તેમના પતિ અંગે કરવામાં આવતી નકારાત્મક ટિપ્પણીઓથી તેઓ વ્યથિત છે. તેથી તેમણે લોકોને અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી છે.
લગ્ન બાદ પોતાને અને પોતાના પતિને જાખમ હોવાની આશંકા વ્યક્ત કરતાં કિંજલ રબારીએ વકીલ મારફતે પોલીસ સુરક્ષાની માંગ કરી હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે જા તેમને અથવા તેમના પતિને કોઈ પ્રકારનું નુકસાન થાય તો તેની જવાબદારી સંબંધિત લોકો પર રહેશે. હાલ આ મામલે સોશિયલ મીડિયા તેમજ સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે અને લોકો આ ઘટનાને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.







































