બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેમાં પાકિસ્તાનની બેટિંગ સંપૂર્ણપણે પડી ભાંગી હતી, અને ટીમ માત્ર ૧૧૪ રન સુધી જ સિમિત રહી હતી. આ નિરાશાજનક પ્રદર્શન બાદ, પાકિસ્તાનના મુખ્ય કોચ માઈક હેસને ખુલ્લેઆમ સ્વીકાર્યું કે તેમની ટીમ વિરોધી ટીમની ઝડપી બોલિંગ સામે સંપૂર્ણપણે ખુલ્લી પડી ગઈ હતી. ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં નિરાશાજનક અભિયાન પછી, પાકિસ્તાનની કારમી હારથી ફરી એકવાર ટીકાકારોને ટીમ પર સવાલ ઉઠાવવાની તક મળી છે. બાંગ્લાદેશ પ્રવાસની પહેલી જ મેચમાં થયેલી આ હારથી માત્ર ટીમ પર જ નહીં પરંતુ કોચિંગ સ્ટાફ પર પણ પ્રશ્નો ઉભા થયા છે.
પાકિસ્તાને પહેલી વનડેમાં સારી શરૂઆત કરી, એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૪૧ રન બનાવ્યા. જાકે, તેમની બેટિંગ પત્તાના ઘર જેવી તૂટી ગઈ અને સ્કોર ૮૨/૯ થઈ ગયો. ફહીમ અશરફ અને અબરાર અહેમદે છેલ્લી વિકેટ માટે ૩૨ રન ઉમેર્યા અને ટીમને ૧૦૦ રનથી વધુ રન બનાવ્યા, જેનાથી પાકિસ્તાન મોટી શરમથી બચી ગયું.
બાંગ્લાદેશના ઝડપી બોલર નાહિદ રાણાએ પાકિસ્તાનની બેટિંગની કરોડરજ્જુ તોડી નાખી. તેણે શરૂઆતમાં પાંચ વિકેટ લઈને મેચનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખ્યો. ત્યારબાદ કેપ્ટન મેહદી હસન મિરાઝે ત્રણ વિકેટ સાથે પાકિસ્તાનની વાપસીની આશાઓ પર પાણી ફેરવી દીધું. મેચ પછી, પાકિસ્તાન ટીમના કોચે કહ્યું કે તે ખૂબ જ નિરાશાજનક બેટિંગ પ્રદર્શન હતું. તેમાં કોઈ શંકા નથી. ફક્ત યુવા ખેલાડીઓ જ નહીં, આખી ટીમ સારી બોલિંગનો સામનો કરી રહી હતી. આપણે ઝડપથી પરિસ્થિતિ ને બદલવાની જરૂર છે.
રસપ્રદ વાત એ છે કે, ગયા વર્ષની ટી ૨૦ શ્રેણી દરમિયાન, હેસને બાંગ્લાદેશની ધીમી અને વળાંક લેતી પિચોની ટીકા કરી હતી. જાકે, આ વખતે તેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે મીરપુરની પિચમાં કોઈ સમસ્યા નથી. હેસને કહ્યું કે પિચ એકદમ સારી હતી. નાહિદ રાણા શાનદાર બોલિંગ કરી રહ્યો હતો. “તેના આગમન પહેલાં અમે સારું પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ તેણે રમત બદલી નાખી. અમે તેની ગતિ અને ઉછાળાનો જે રીતે જવાબ આપવો જાઈએ તે રીતે જવાબ આપી શક્યાં નહીં.” પાકિસ્તાન હાલમાં ત્રણ મેચની વનડે શ્રેણીમાં ૦-૧ થી પાછળ છે. બીજી મેચ ૧૩ માર્ચે રમાશે, જ્યાં મુલાકાતી ટીમને શ્રેણીમાં ટકી રહેવા માટે જીતની જરૂર પડશે.













































