અમદાવાદ શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટી ઠગાઈનો મામલો સામે આવ્યો છે. શેલામાં આવેલી “અક્ષર અનંત” સ્કીમમાં ફ્લેટ અને દુકાનોના બુકિંગના બહાને આશરે ૪૬ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કુલ ૧૨ કરોડ ૪૦ લાખ રૂપિયાની ઠગાઈ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ અનુસાર બિલ્ડર અને બ્રોકર સહિત કુલ ૭ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓએ લોકોને આકર્ષક સ્કીમ બતાવી ફ્લેટ અને દુકાનના બુકિંગ માટે રૂપિયા વસૂલ્યા હતા. પરંતુ ત્યારબાદ સ્કીમ અચાનક બંધ કરી દેવામાં આવી અને સંબંધિત જમીન અન્ય વ્યકિતને વેચી દેવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરતાં મુખ્ય આરોપી પૌરવની ધરપકડ કરી છે. જ્યારે યોગેશ, રોનક અને વિપુલ નામના અન્ય આરોપીઓ પહેલાથી જ ઠગાઈના અન્ય ગુનાઓમાં જેલમાં બંધ હોવાનું જાણવા મળ્યું છે.તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે આરોપીઓએ શેલા અને છારોડી વિસ્તારમાં વિવિધ સ્કીમો મૂકીને અનેક લોકોને રોકાણ માટે લલચાવ્યા હતા. લોકો પાસેથી મોટી રકમ મેળવી પછી પ્રોજેક્ટ બંધ કરી દેવાની પદ્ધતિથી ઠગાઈ કરવામાં આવી હોવાનો આરોપ છે.
મહત્વનું એ છે કે આરોપીઓ સામે અગાઉ પણ આર્થિક ગુના શાખા અમદાવાદ તેમજ બોડકદેવ અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સમાન પ્રકારના ગુનાઓ નોંધાઈ ચૂક્્યા છે. હાલ બોપલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંભવિત પીડિતો તથા આરોપીઓ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.









































