હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ કવિન્દર ગુપ્તાએ શિમલાના લોક ભવન ખાતે પદ અને ગુપ્તતાના શપથ લીધા. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગુરમીત સિંહ સંધાવાલિયાએ તેમને શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, અનેક કેબિનેટ મંત્રીઓ, મુખ્ય સચિવ, અનેક અધિકારીઓ અને અન્ય લોકો હાજર રહ્યા. રાજ્યપાલે હિન્દીમાં શપથ લીધા. મુખ્ય સચિવ સંજય ગુપ્તાએ રાષ્ટ્રપતિ વોરંટ વાંચ્યું, જે રાષ્ટ્રપતિ નિમણૂક માટે જારી કરે છે. રાજ્યપાલના શપથ સમારોહમાં પહેલીવાર છ શ્લોક સાથે વંદે માતરમ ગાવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે નવા નિર્દેશ હેઠળ, સરકારી કાર્યક્રમો, શાળાઓ અને ઘણા મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં વંદે માતરમ ગાવાનું હવે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્ર ગીત ‘જન ગણ મન’ દરમિયાન જેમ બધા લોકોએ ઉભા થઈને તેનું સન્માન કરવું પડશે. આ પરંપરા હિમાચલમાં રાજ્યપાલના શપથ સમારોહ સાથે શરૂ થઈ હતી.
મીડિયા સાથે વાત કરતા રાજ્યપાલે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં વંદે માતરમના તમામ છ શ્લોક શીખવવા માટે સૂચનાઓ જારી કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ ફક્ત એક જ શ્લોક જાણતા હતા. અમને ફક્ત મુઘલો અને અંગ્રેજાની ગુલામી વિશે જ શીખવવામાં આવતું હતું. આ વલણ હવે બદલાવું જાઈએ. રાજ્યપાલે જણાવ્યું હતું કે તેઓ કેન્દ્ર સરકાર સમક્ષ હિમાચલના હિતોની હિમાયત કરશે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારમાં તેમના ઘણા મંત્રીઓ સાથે સારા સંબંધો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આરડીજી બંધ કરવાના મુદ્દા પર પણ કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે રાજ્યના વિકાસ માટે પક્ષીય રાજકારણથી આગળ વધીને કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે સરકાર અને વિપક્ષ બંનેનો સહયોગ લેવામાં આવશે. રાજ્યપાલે જણાવ્યું હતું કે યુવા કલ્યાણ, આદિવાસી વિકાસ, કૌશલ્ય આધારિત શિક્ષણ અને ડ્રગ્સ મુકિત તેમની પ્રાથમિકતાઓ છે.
હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ કવિંદર ગુપ્તાનો જન્મ ૨ ડિસેમ્બર, ૧૯૫૯ ના રોજ જમ્મુમાં થયો હતો. તેઓ એક કુશળ જાહેર નેતા અને પ્રશાસક છે જેમને જાહેર જીવન અને વહીવટમાં ચાર દાયકાથી વધુનો અનુભવ છે. તેમના પિતા કેન્દ્ર સરકારના ટપાલ વિભાગમાં કામ કરતા હતા. ૧૯૬૩માં, પરિવાર પંજાબના સંગરુર ગયો, જ્યાં કવિંદર ગુપ્તાએ તેમનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ તેમણે ફિરોઝપુર અને ગુરદાસપુરમાં અભ્યાસ કર્યો. ૧૯૭૯માં તેમણે ગુરદાસપુરની સરકારી ડિગ્રી કોલેજમાંથી સ્નાતક થયા. ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં, કવિંદર ગુપ્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જાડાયા, જે તેમના સામાજિક અને જાહેર જીવનની શરૂઆત હતી. કટોકટી દરમિયાન (૧૯૭૫-૧૯૭૭), તેઓ વરિષ્ઠ આરએસએસ નેતાઓ સાથે ગુરદાસપુર અને પટિયાલા જેલમાં કેદ હતા.
૧૯૭૮ થી ૧૯૭૯ સુધી, તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પંજાબ એકમના સચિવ તરીકે સેવા આપી. ૧૯૮૮માં, તેમને ભારતીય જનતા યુવા મોરચા, જમ્મુ અને કાશ્મીરના જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ૧૯૯૩ થી ૧૯૯૮ સુધી, તેમણે યુવા મોરચા, જમ્મુ અને કાશ્મીરના રાજ્ય પ્રમુખ તરીકે તેમના સંગઠનાત્મક નેતૃત્વનો વિસ્તાર કર્યો. કવિંદર ગુપ્તાએ મ્યુનિસિપલ સ્તરે ચૂંટાયેલી સરકારમાં પ્રવેશ કર્યો. તેઓ જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર તરીકે ચૂંટાયા હતા અને આ પદ પર સતત ત્રણ ટર્મ સેવા આપી હતી.









































