અમરેલી જિલ્લામાં વહેમ અને શંકાના આધારે હિંસક હુમલાની એક ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં પોતાની ફુઈ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને એક શખ્સે તેના અન્ય બે સાથીદારો સાથે મળીને એક યુવકને લોખંડના પાઈપ અને દાતરડા વડે રહેંસી નાખવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે રાજુલામાં રહેતા શેલૈષભાઇ નાનજીભાઇ જોગદિયા (ઉ.વ.૩૦)એ વિશાલભાઇ ગીરીશભાઇ સોલંકી તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, આ કેસના મુખ્ય આરોપી વિશાલ સોલંકીને એવી શંકા હતી કે તેમને તેની ફુઈ સાથે પ્રેમ સંબંધ છે. આ શંકાનો ખાર રાખીને વિશાલ સોલંકી અને અન્ય બે અજાણ્યા શખ્સોએ ફરિયાદી પર હુમલો કર્યો હતો. આરોપી વિશાલ સોલંકીએ લોખંડના પાઈપ વડે ફરિયાદીના માથાના ભાગે બે-ત્રણ ઘા ઝીંક્યા હતા, તેમજ હાથ અને પગના ભાગે આડેધડ ફટકા માર્યા હતા.









































