ખાંભાના ડેડાણ ગામે કાયદેસરની ફરજ બજાવી રહેલા સરકારી કર્મચારી પર હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કોન્સ્ટેબલ ફારૂકભાઇ ગુલાબભાઇ પઠાણે ડેડાણ ગામના સાગરભાઇ હિંમતભાઇ મકવાણા, હિતેષભાઇ છનાભાઇ ડાભી, અમીતભાઇ રવજીભાઇ મકવાણા તથા જગદિશભાઇ ભાણાભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ જ્યારે ડેડાણ ગામે પોતાની નિયત જગ્યાએ કાયદેસરની ફરજ પર હતા, ત્યારે આરોપીઓ પોતાનું મોટરસાયકલ લઈને ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીની ફરજમાં રૂકાવટ ઊભી કરી તેમની સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. તેમજ શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો અને ઝપાઝપીમાં તેમના યુનિફોર્મના શર્ટનું ઉપરનું બટન તોડી નાખ્યું હતું. એટલું જ નહીં, આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમના ડાબા હાથના અંગૂઠા પર નખ મારી ઈજા પહોંચાડી હતી.
ખાંભા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.એમ.જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.