સાવરકુંડલાનના કબીર ટેકરી આશ્રમ ખાતે એક ભવ્ય અને નિઃશુલ્ક નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સદ્દગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ, સાવરકુંડલા અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી (સુદર્શન નેત્રાલય હોસ્પિટલ) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં પંથકના અનેક જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત કબીર ટેકરીના મહંત નારણદાસ તથા ટ્રસ્ટીગણના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક સેવા સંસ્થા ‘બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ’ના ટ્રસ્ટીઓ વિશાલ વ્યાસ અને માધવ વ્યાસ, તેમજ જગદીશભાઈ જેઠવા અને જિતેનભાઇ હેલૈયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા કુલ ૯૨ દર્દીઓની આંખોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૨૧ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમને વિનામૂલ્યે નેત્રમણી આરોપણની સેવા પૂરી પાડવામાં આવશે. આ કેમ્પ દરમિયાન સુદર્શન નેત્રાલયના અતુલભાઈ દવે, નિલેષભાઈ ભીલ, હિંમતભાઈ કાછડીયા અને સમગ્ર સ્ટાફ તેમજ કબીર ટેકરીના સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી હતી. નોંધનીય છે કે, સેવાકીય પ્રવૃત્તિનો આ યજ્ઞ છેલ્લા ૧૮ વર્ષથી દર મહિનાના ચોથા ગુરુવારે અવિરતપણે ચલાવવામાં આવે છે, જે સાવરકુંડલા અને આસપાસના વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.








































