ગઈકાલથી રાજ્યભરમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે રાજુલા અને લીલીયામાં પરીક્ષાર્થીઓ માટે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. રાજુલામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરની ટીમો દ્વારા વિદ્યાર્થીઓને ગુલાબ, પેન અને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. ડેપ્યુટી કલેક્ટરે પણ હાજર રહી વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વિશેષમાં, એસ.ટી. નિગમ દ્વારા દાંતરડીથી ૧૦૦ વિદ્યાર્થીઓ માટે ખાસ બસની સુવિધા કરાઈ હતી, જેમાં ડ્રાઈવર-કંડક્ટરે વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવ્યું હતું. બીજી તરફ, લીલીયાની અમૃતબા અને શાંતાબા વિદ્યાલયમાં આચાર્ય ડો. હસમુખભાઈ કરડ અને સ્થાનિક અગ્રણીઓએ કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો અને રાજકીય આગેવાનોએ પણ હાજર રહી પરીક્ષાર્થીઓનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.








































