તારીખ ૧૨ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન નવસારી ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત અંડર-૧૪ બહેનોની રાજ્ય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ તાલુકાઓની શ્રેષ્ઠ શાળાકીય હેન્ડબોલ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ગજેરા કેમ્પસ-વિદ્યાસભાની DLSS ખેલાડીઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું. આ હેન્ડબોલ સ્પર્ધામાં બહેનોની ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઈનલ સુધીની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી અને અંતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. વિજેતા થયેલી ટીમમાં ગોસાઈ ભક્તિ, શેખ નયના, જાદવ નિરાલી, મકવાણા અક્ષરા, સોલંકી કૃપા, ડાભી સાક્ષી, તમગડીયા માનસી, મકવાણા દ્રષ્ટિ, તાવિયા દ્રષ્ટિ, મકવાણા પૂજા, વેગડ રિદ્ધિ અને કાગડિયા ધ્યાનીનો સમાવેશ થાય છે. આ સિદ્ધિમાં અમરેલી જિલ્લા ગજેરા કેમ્પસ-વિદ્યાસભા સ્પોટ્ર્સ સ્કૂલની વિશેષ ભૂમિકા રહી છે. સંસ્થામાં તજજ્ઞો દ્વારા આપવામાં આવતા શિક્ષણ અને અનુભવી કોચ દ્વારા મળતા પ્રશિક્ષણને પરિણામે ખેલાડીઓએ આ સફળતા મેળવી છે. આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, ગીરધરભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.







































