સાવરકુંડલા શહેરમાં નાવલી નદીના પોર્ટમાં તથા કિનારે સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા આખરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાવરકુંડલા મામલતદારે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ કુલ ૧૩૫ પાલા-કેબીન ધારકોને નોટિસ ફટકારીને આગામી ૧૦ દિવસમાં સ્વખર્ચે દબાણ દૂર કરવા આદેશ આપ્યો છે. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ, નાવલી નદીમાં કંતાન અને વાંસથી બનેલા પાલા કેબીનો અંગેની આ જમીન કે રસ્તો નગરપાલિકાની માલિકીનો નહીં પરંતુ સરકારની માલિકીનો છે. આ દબાણો દૂર કરવાની પ્રક્રિયા વર્ષ ૨૦૦૫થી શરૂ કરવામાં આવી હતી, જેની સામે પાલા ધારકોએ નામદાર હાઈકોર્ટમાં ધા નાખી હતી. લાંબી કાનૂની લડાઈ બાદ, નામદાર ગુજરાત હાઈકોર્ટે ગત ૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ પાલા ધારકોની પિટિશન અરજી ડિસમિસ કરી હતી.
ત્યારબાદ પાલા ધારકો દ્વારા કરવામાં આવેલી LPA અરજીને પણ હાઈકોર્ટે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ડિસમિસ કરી હતી અને અગાઉનો હુકમ કાયમી રાખ્યો હતો. કોર્ટના આ ચુકાદાથી વાદગ્રસ્ત જમીન સરકારની માલિકીની હોવાનું સ્પષ્ટપણે પ્રસ્થાપિત થયું છે. મામલતદાર દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, જો દબાણકર્તાઓ દ્વારા નિયત ૧૦ દિવસની સમયમર્યાદામાં દબાણ દૂર કરવામાં નહીં આવે, તો તંત્ર દ્વારા તેને ખુલ્લું કરવામાં આવશે અને તેની તમામ જવાબદારી દબાણકર્તાઓની રહેશે. ૨૧ વર્ષની કાનૂની લડાઈ બાદ હવે આ જમીન પરના દબાણ દૂર કરવાની કામગીરી તેના આખરી તબક્કામાં પહોંચી છે.







































