આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. અંદાજે ૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના છે.અમદાવાદ સહિતની  સ્કૂલોમાં ધો.૧૦ની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું તિલક લગાવી અને ગુલાબનું ફુલ આપી શાળાઓ દ્વારા સ્વાગત કરીને શુભેચ્છા પાઠવી હતી.અમદાવાદની ગર્લ્સ હાઇસ્કુલ ખાતે  પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા અને તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ તેમને તિલક લગાવીને ગુલાબનું ફુલ આપવામાં આવ્યું હતું અને પેપર સારું જાય તેના શકન રૂપે સાકર આપવામાં આવી હતી.

નવસારી જિલ્લામાં પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની ઉત્સાહભેર અને શિસ્તપૂર્ણ વાતાવરણ વચ્ચે શરૂઆત કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ સમયસર પહોંચ્યા હતા અને શાંત વાતાવરણમાં પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ નિર્ભય અને નિર્વિÎન રીતે પરીક્ષા આપી શકાશે.

નવસારી જિલ્લામાં કુલ ૩૪,૯૭૪ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધોરણ ૧૦માં ૨૦,૪૦૪ વિદ્યાર્થીઓ સામેલ છે. જ્યારે ધોરણ ૧૨માં આર્ટસ અને સામાન્ય પ્રવાહના ૯,૫૪૯ તેમજ વિજ્ઞાન પ્રવાહના ૫,૦૨૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા સુચારૂ રીતે યોજાઈ શકે તે માટે જિલ્લામાં કુલ ૧૧૨ ઇમારતોમાં ૧,૨૮૬ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લામાં ૧૨૨ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર કડક બંદોબસ્ત સાથે cctv કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પારદર્શિતા જળવાઈ રહે અને ગેરરીતિ અટકાવી શકાય.

નવસારી સ્વામીનારાયણ હાઈસ્કૂલ ઇટાળવા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરી તથા શિક્ષકગણે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓનું પરીક્ષા પૂર્વે સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓને તિલક કરી, મીઠું મોં કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો માહોલ જાવા મળ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ડર અને હાઉ વિના શાંતિપૂર્વક પરીક્ષા આપવા અપીલ કરવામાં આવી છે. સાથે જ પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓને કોઈ મૂંઝવણ કે તકલીફ ન પડે તે માટે ‘સારથી’ હેલ્પલાઇન ટીમ કાર્યરત રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.

ભાવનગર શહેરની વિશુદ્ધાનંદ શાળા ખાતે શિક્ષણાધિકારી વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યા હતા. શિક્ષણાધિકારી જીતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું હતું કે, આજથી સમગ્ર ગુજરાત અને ભાવનગરમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો હોવાથી તમામને શુભેચ્છાઓ આપી રહ્યો છું. ભાવનગર જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ માં કુલ ૬૨,૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જા કે આ પરીક્ષા માટે જિલ્લામાં કુલ ૩૩૨ જેટલા બિલ્ડીંગોમાં પરીક્ષાનું આયોજન કરાયું છે.

ભાવનગર જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાને પગલે વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ત્યારે શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ કેન્દ્રો ઉપર સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થાય તે માટેની વ્યવસ્થાઓ કરી લેવાઈ છે. આ સાથે ઘણા સ્થળો ઉપર મેટલ ડિટેક્ટર પણ મૂકવામાં આવ્યા છે. ગરમીનો પ્રારંભ થયો હોવાથી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પાણી સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવેલી છે. સવારના સેશનમાં ધોરણ ૧૦ની પરીક્ષાઓ અને બપોરના સેશનમાં ધોરણ ૧૨ની પરીક્ષાઓ લેવામાં આવનાર છે.

કચ્છ જિલ્લામાં આજથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. જિલ્લામાં આશરે ૪૫ હજારથી વધુ વિદ્યાર્થી આ અગત્યની પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાની પૂર્વ તૈયારી અને વ્યવસ્થાઓની સમીક્ષા જિલ્લા તંત્ર દ્વારા સઘન રીતે હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, પરીક્ષા પહેલાં કરેલો પુરુષાર્થ ક્યારેય વ્યર્થ જતો નથી. આત્મવિશ્વાસ અને નિર્ભયતા સાથે પરીક્ષા આપવા તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. તેમણે શિક્ષણ વિભાગ અને સમગ્ર ‘ટીમ એજ્યુકેશન’ને પણ શુભકામનાઓ પાઠવી તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને સંદેશ આપતા શાંતિપૂર્ણ અને સુનિયોજિત રીતે પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો. જિલ્લામાં કુલ ૧૭૨ પરીક્ષા બિલ્ડીંગોને તમામ ભૌતિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. દરેક કેન્દ્ર પર સીસીટીવી કેમેરાની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. પાંચેય ઝોનની મુલાકાત લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ તૈયારીની સમીક્ષા કરી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સકારાત્મક વાતાવરણ મળે તે માટે પુષ્પગુચ્છ, કુમકુમ તિલક અને મીઠું મોઢું કરાવી સ્વાગત કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. કેટલીક સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા છાશ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.