સાબરકાંઠાના વિજયનગર તાલુકાના આમોદ્રા ગામની તેજલ ડામોરે દુબઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં ૨૦૦ અને ૪૦૦ મીટર દોડમાં સુવર્ણચંદ્રક જીતીને દેશનું અને પોતાના વતનનું નામ રોશન કર્યુ છે. આ સ્પર્ધામાં ૬૦૦ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેજલ ડામોરે ૬૦૦ આંતરરાષ્ટ્રીય હરીફો વચ્ચે તેની શ્રેષ્ઠતા સિદ્ધ કરી હતી અને દેશને તેમજ ગુજરાત તથા વતનને ગૌરવ અપાવ્યું હતું. આમ દેશને અને રાજ્યને ગૌરવ અપાવવામાં હવે દીકરીઓ પણ પાછળ રહી નથી.

તેજલ ડામોર સાબરકાંઠાના ઇડર સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ સાથે સંકળાયેલી છે. આ મંડળે તેમને લોકભાગીદારીથી મે ૨૦૨૫માં પ્રવેશ અપાવ્યો હતો. હાલમાં તેજલ સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાતે રમતગમતની સઘન તાલીમ લઈ રહી છે. તેની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ રાષ્ટ્રીય અંધજન મંડળ અને એસએઆઇ તરફથી તેને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે.

આમ વર્ષોથી કહેવાય છે કે રમતો તે દાળભાતીયા ગુજરાતીઓનું કામ નહી, તે વાતને પણ આ સિદ્ધિ સાથે તેજલ ડામોરે ખોટી પાડી બતાવી છે. તેણે દર્શાવ્યું છે કે  જો તમને રમતમાં રસ હોય અને તૈયારી કરવાની ક્ષમતા તથા પ્રતિબદ્ધતા હોય તથા તેને યોગ્ય માર્ગદર્શન મળે તો ગુજરાતી ખેલાડીઓ પણ સિદ્ધિ મેળવવામાં બીજા રાજ્યના કોઈપણ ખેલાડીથી પાછળ પડે તેવા નથી તેનો પુરાવો તેજલ ડામોર છે.

તેમા પણ ખાસ કરીને ગુજરાતી મહિલાઓ તો રમતમાં વધુને વધુ પાછળ માનવામાં આવે છે. તેજલ ડામોરે બતાવ્યું છે કે અડગ નિર્ધાર હોય તો ગમે તેવી મુશ્કેલીઓને પાર પાડી શકાય છે. તમારી મક્કમતા દ્વારા અનેક મુશ્કેલીઓને તમે પાર પાડી શકો છો. ગમે તેવા અવરોધોને વટાવી શકો છો. સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય સ્તરે પણ રમતમાં સિદ્ધિ મેળવવી અત્યંત કપરી હોય છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ રમતમાં ગોલ્ડ મેળવવો તો અત્યંત કપરામાં કપરું કામ માનવામાં આવે છે. તેમા કેટલાયનો પરસેવો છૂટી જતો હોય છે. વર્ષોની મહેનત પછી પણ સફળતાની કોઈ ખાતરી હોતી નથી. આવામાં તેજલ ડામોરનો ગોલ્ડ ભારતના પેરા ઓલિમ્પીકસના ઇતિહાસમાં રમતની નવી મશાલ પ્રગટાવી શકે છે.