ગુજરાતની સંવેદનશીલ સરહદો પર દેશની રક્ષા કરતા સીમા સુરક્ષા દળના જવાનો માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. કચ્છની દુર્ગમ સરહદો પર હવામાનની વિપરીત અસરો અને વાવાઝોડા જેવી સ્થિતિમાં પણ વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે વીજ નેટવર્કને આધુનિક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
કચ્છના રણ અને દરિયાઈ પટ્ટી પર ક્ષારયુક્ત હવાને કારણે અત્યાર સુધી વપરાતા લોખંડના થાંભલા અને ખુલ્લા વીજ વાયરો ટૂંકા સમયમાં કટાઈ કે ખવાઈ જતા હતા. આ ઉપરાંત, વાવાઝોડા દરમિયાન થાંભલા પડી જવાથી બોર્ડર આઉટ પોસ્ટ્સ પર અંધારપટ છવાઈ જતો હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે ઓવરહેડ વીજ વાયરોને બદલે નવીન ટેકનોલોજીવાળા એલીવેટેડ (ઊંચાઈવાળા) કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે.
રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે સરહદ અત્યંત સંવેદનશીલ હોવાથી ત્યાં તૈનાત જવાનોને સતત અને સાતત્યપૂર્ણ વીજળી પૂરી પાડવી એ સરકારની પ્રાથમિક ફરજ છે. ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેક્ટથી દુર્ગમ વિસ્તારોમાં વીજળીના કાપની સમસ્યા કાયમી ધોરણે દૂર થશે અને દરિયાકાંઠાના વિસ્તારમાં ક્ષારને કારણે વાયરો કટાવાની સમસ્યા પણ નહીં રહે. આ ઉપરાંત, કુદરતી આપત્તિ કે વાવાઝોડા દરમિયાન પણ વીજ લાઈનો સંપૂર્ણ સુરક્ષિત રહેશે, જે મ્જીહ્લ ના જવાનોને સરહદ પર દેખરેખ અને સુરક્ષા કામગીરી વધુ અસરકારક રીતે કરવામાં મોટી મદદ પૂરી પાડશે.
આ નિર્ણયથી માત્ર વીજળી જ નહીં, પરંતુ સરહદની સુરક્ષા વ્યવસ્થા પણ વધુ મજબૂત બનશે કારણ કે હાઈ-ટેક સર્વેલન્સ સાધનો માટે સતત વીજ પુરવઠો અનિવાર્ય છે.









































