ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક્શન મોડમાં આવી ગઈ છે અને સંગઠનને મજબૂત કરવા માટે મથામણ કરી રહી છે. આ સાથે જ નવસારી શહેર કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જી હા…સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આ સાથે નવસારી શહેર કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર અને નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે.
નવસારી શહેર કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર કરાતા કોંગ્રેસના ‘સંગઠન સૃજન અભિયાન’ અંતર્ગત નવસારી શહેર પ્રમુખ તરીકે દીપકકુમાર દશરથલાલ બારોટની વરણી કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ પક્ષના કાર્યકરોમાં નવો જાશ જાવા મળી રહ્યો છે. નવસારીમાં પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ અને વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડાએ દીપક બારોટ પર ભરોસો મૂક્્યો છે. અમિત ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નવા નેતૃત્વ હેઠળ પક્ષની વિચારધારા જન-જન સુધી પહોંચશે..
નવસારી શહેર કોંગ્રેસના નવા પ્રમુખ દીપક બારોટ માટે આગામી સફર ફૂલોની સેજ નહીં પણ કાંટાની રાહ સમાન છે. નવસારીમાં કોંગ્રેસનું સંગઠન હાલ અત્યંત નબળી સ્થિતિ માં છે, ત્યારે તેમાં પ્રાણ ફૂંકવા એ સૌથી મોટો પડકાર છે. શહેરના બુથ લેવલ પર સક્રિય કાર્યકરોનો અભાવ પક્ષ માટે ચિંતાનો વિષય છે. નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે સક્ષમ મહિલા ઉમેદવારો શોધવા એ ‘ઘાસમાં સોય શોધવા’ જેવું કપરું કામ બની ગયું છે. છેલ્લી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા અને માત્ર એક મહિલા ઉમેદવાર જ જીત મેળવવામાં સફળ રહ્યા હતા.
નવસારી શહેરમાં સત્તાધારી પક્ષ સામે મજબૂત વિપક્ષ તરીકે ઊભા રહેવા માટે નવા પ્રમુખે તળિયેથી સંગઠન ઊભું કરવું પડશે. સ્થાનિક સ્તરે જૂથવાદને ડામવો અને સામાન્ય જનતાના પ્રશ્નોને વાચા આપવી એ જ કોંગ્રેસ માટે પુનરાગમનનો એકમાત્ર રસ્તો દેખાઈ રહ્યો છે.









































