ઉત્તરપૂર્વીય રાજ્ય સિક્કિમમાં ૪.૬ અને ૩.૫ ની તીવ્રતાના બે આંચકા અનુભવાયા. ૪.૬ ની તીવ્રતા સાથેનો પહેલો આંચકો સવારે ૧૧ઃ૨૪ વાગ્યે આવ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ગ્યાલશિંગ જિલ્લામાં યુક્સોમથી ચાર કિલોમીટર ઉત્તરપૂર્વમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપ ખૂબ જ જારદાર હતો અને ગંગટોક, નામચી, મંગન અને પેલિંગ જેવા વિસ્તારોમાં અનુભવાયો હતો.
ગભરાયેલા લોકો તેમના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા, અને ઘણી જગ્યાએ લોકો ભયથી ચીસો પાડતા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. બપોરે ૧૨ઃ૧૭ વાગ્યે મંગન જિલ્લામાં ૩.૫ ની તીવ્રતાનો બીજા ભૂકંપ અનુભવાયો હતો. તેનું કેન્દ્ર ગંગટોકથી ૧૧ કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. બંને ભૂકંપમાં જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.
એ નોંધવું જાઈએ કે સિક્કિમ ભૂકંપગ્રસ્ત ક્ષેત્રમાં આવે છે કારણ કે તે હિમાલય ક્ષેત્રનો ભાગ છે. ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોની અથડામણ અહીં થાય છે. રાજ્યએ ભૂતકાળમાં અનેક મધ્યમ-તીવ્રતાના ભૂકંપનો અનુભવ કર્યો છે.









































