ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામમાં વહીવટી તંત્ર દ્વારા સરકારી અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સનવાવથી આલિદર તરફ જતા રોડ પર સીમતળ અને ગામતળમાં ખડકાયેલા દબાણો હટાવવા માટે તંત્ર ૩ જેસીબી મશીનો સાથે ત્રાટક્યું હતું. આ કાર્યવાહીમાં સનવાવ ગામના દુષ્કર્મના આરોપી ઘેલુ દિલીપભાઈ સોલંકીનું મકાન રહ્યું હતું. ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે બનાવાયેલું તેનું બે માળનું પાકું મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આલિદર રોડ પર અન્ય મકાનો અને દીવાલોના દબાણો પણ હટાવવાની કામગીરી ચાલુ છે, જે આગામી દિવસ ચાલશે. બીજી તરફ, ઉના તાલુકાના વાંસોજ ગામમાં પણ પંચાયતની જગ્યા પર બનેલી ગેરકાયદેસર દુકાનો દૂર કરવામાં આવી હતી. અહીં ફિશ માર્કેટ અને શાક માર્કેટ મંજૂર થયા હોવાથી લાંબા સમયથી ખડકાયેલા દબાણોને હટાવવા વિસ્તરણ અધિકારી અને તલાટી મંત્રી સહિતનો સ્ટાફ કામે લાગ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગીર ગઢડા અને ઉના પોલીસના કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.