બગસરા શહેરમાં મચ્છરોથી બચવા માટે રૂમમાં કરવામાં આવેલા ધુમાડા અને બીડી પીવાની ટેવના કારણે ગાદલામાં અચાનક આગ ભભૂકી ઉઠતા, એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. કિશોરભાઇ જીવરાજભાઇ પોપલીયા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, જીવરાજભાઇ ગોકળભાઇ પોપલીયા પોતાના રૂમમાં મચ્છર ભગાડવા માટે દેશી જુગાડ તરીકે ધુમાડો કરી રહ્યા હતા. આ સાથે જ તેમને બીડી પીવાની ટેવ હોવાથી તણખલાના કારણે ગાદલામાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેઓ તેની લપેટમાં આવી ગયા હતા. ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.








































