સાવરકુંડલામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં કરન્સી સુવિધા બંધ થયા બાદ શહેરમાં છૂટ્ટા નાણાંની સમસ્યા વધુ વકરી રહી છે. સાવરકુંડલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રૂ.૧૦ અને ૨૦ની નોટો તેમજ પરચૂરણની અછત હોવાથી નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. નાના વેપારીઓ પહેલેથી જ મંદીની અસર અનુભવી રહ્યા છે.આવા સમયમાં છૂટ્ટા નાણાંની અછતે તેમને વધુ કફોડી સ્થિતિમાં મૂક્યા છે. વેપારીઓએ જણાવ્યું હતું કે રૂપિયા ૧૦ અને ૨૦ની નોટો ફાટેલી આવતી હોવાથી ગ્રાહકો સ્વીકારતા નથી. સાથે જ રૂ.૨, ૫ અને ૧૦ના સિક્કા અને પરચૂરણ પૂરતું ઉપલબ્ધ ન હોવાને કારણે રિટેલ વેપાર પર સીધી અસર પડી રહી છે. અન્ય વેપારીએ જણાવ્યું કે બજારમાં પરચૂરણ મળે છે. પરંતુ તેમાં કમિશન આપવું પડે છે. રૂપિયા ૧૦૦૦ના પરચુરણ માટે રૂપિયા ૧૦૦ થી ૧૫૦ સુધી વધારાનું કમિશન ચૂકવવું પડે છે. ઉપરાંત નવી રૂપિયા ૧૦ અને ૨૦ની નોટોના બંડલ બજારમાં લેવા માટે રૂપિયા ૫૦થી ૧૦૦ વધારાની રકમ આપવી પડતી હોવાના પણ વેપારીઓએ આક્ષેપ કર્યા હતા. સાવરકુંડલામાં પરચૂરણની સમસ્યાનો ઉકેલ આવે તેવી વેપારીઓમાં માંગણી ઉઠી છે.








































